ગીગાજી મહિયા

ઘર તરફ વળતી ઘોડીઓ ઝપાટે પંથ કાપવા લાગી. રૂપાવરણી રાતને શીળે પહોરે વનરાઈ જંગલી ચમેલીની સુગંધે મહેકતી હતી. એ ડુંગર, એ રણસ્થળ ને એ ખાંભીઓને પાછળ મેલીને અસ્વારો આઘેરા નીકળી ગયા. કતલની ધણેણાટી, હત્યાની કરૂણા અને શૂરાનાં મુંગાં સમર્પણનું વાતાવરણ વાંસે રહી ગયું હતું. અદાવતનાં ઝેર નીતારી નાખે એવી

અગર ચંદણ રાત
ચાંદા પૂનમ રાત
ચાંદલિયો ક્યારે ઉગશે ! 
તારોડિયો ક્યારે ઉગશે !

એ ગીત માંહેલી ચંદન–છાંટી રાત હતી. મહીયા અસ્વારે બીડી ઝેગવી એટલે મહેમાન સમજ્યા કે મહીયો નવા તોરમાં દાખલ થઈ ગયો છે. એટલે મહેમાને વાત ઉચ્ચારી કે તમારો “ગીગો મહીયો બારવટે ચડ્યો હતો તેની શી હકીકત છે, કહેશો ?”

“ગીગો [૧]મકો ને ? કણેરી ગામનો ગીગો ને ? હા, હા, ગીગો તો મકરાણીઓનો મોટો કાળ : મકરાણી મલક આખાને ધમરોળે,

1. ** મહીયાની એક શાખ.

[ ૨૧ ] પણ ગીગાની કણેરીને સીમાડે ય ન છબે ભાઈ ! અને ગીગો તો 

ગરનો સાવઝ કહેવાણો : સાંભળો સાંભળો એની ખ્યાતિયું:

બાબીથી બીનો નહિ, ખત્રીવઢ ખાગે
ભૂપ મોટા ભાગે, ગરનો સાવઝ ગીગડો.

[ગિરનો સિંહ એ ગીગેા જુનાગઢના બાબી રાજાથી ન બ્હીનો. અને એણે તલવારથી ક્ષત્રીવટ ખેલી. મોટા રાજા પણ એનાથી ભાગતા હતા.]

અને ભાઈ !

પટેલીઆ પ્રગણા તણા, જૂને રાવું જાય, 
ડણકે ડુંગર માંય, ગાળે સાવઝ ગીગડો.

[પરગણાના પટેલો ગીગાના ત્રાસ સામે દાદ કરવાં જુનાગઢ જાય છે. અને ગિરનો સિંહ ગીગો તો ડુંગરાંમાં ગર્જના કર્યા જ કરે છે.]

ઉનેથી જુના લગે નારી ન ભરે નીર, 
નત્યની રીડોરીડ, ગરનો સાવઝ ગીગલો.

[ઉના ગામથી માંડીને જુનાગઢ સુધી સ્ત્રીઓ પાણી નથી ભરી શકતી, રોજેરોજ બૂમો પડે છે. એવી હાક ગિરના સિંહ: ગીગાની બોલી ગઈ.]

ને વળી ભાઈ ! કેવો નામી મરદ ગીગો !

કેસર જ્યું લેવા કરછ, લાંબી સાંધછ લા, 
માંડછ પગ મૈયા, ગઢે ને કોટે ગીગડા !

[હે ગીગા ! તું કેસરીની માફક લાંબી ડણક દે છે, અને ગઢે ને કાટે: તારા થાપા મારે છે,]

અરે ! શી એની શિરજોરી !

ટીંબી જેવડું ગામડું, સૂંથી ફાટ્યો મીંયા
સિંહ વછૂટ્યો સામટો, ગરૂ મળી ગ્યો ગીગલો !

[ ૨૨ ] એ ગીગો ને ? કૈંક ગોરખધંધા કર્યા હતા એણે. પણ એ તો 

વ્હેલાંની–કનડાની કતલ પહેલાંની વાત. સંવત ૧૯૦૯માં ગીગો બારવટે નીકળ્યો, એનું બારવટું કોઈ રાજ ઉપર નહોતું. કટંબ-કળો હાલતો હતો એમાંથી ગીગાનું ગાંડપણ સળગી ઉઠ્યું, એ મૂળ વાતમાં તો કાંઈ માલ જ નહોતો. પણ અસલ વારાની ગાંડપ જ ગણાય. ગીગો મૂળ કણેરી ગામનો રહેવાશી : મકા શાખનો મહીયો : બાપનું નામ મૂળુ મકો : ગરાસને કારણે કાકાઓની સાથે અણબનાવ મંડાણો હતો. ચાર પિત્રાઈઓ એની સામી પાટીમાં હતા : એક નામેરી, બીજો કરણો, ત્રીજો રતો અને ચોથો અમરો : એમ ચાર કાકા : સહુનો ઉકરડો એક ઠેકાણે સૈયારો પડે, પણ એમાંથી ખાતર ભરી જાય ફક્ત કાકાના ખેડૂઓ. ગીગલે લીધો વાંધો. કહે કે ભાગે પડતું ભરવા દઉં. ત્યારે ચાર કાકા આડા ફરીને ઉભા રહ્યા અને અણછાજતું વેણ બોલી ગયા કે “જા જા હવે ભુંડણના ! તારાથી શું થાતું'તું ? ”

“ભુંડણનો કહ્યો ત્યાં ગંગાની ખોપરીમાં ખટાકો બોલી ગયો. જુવાન જોધ આદમી, કોઈનો ટુંકારો ખાધેલ નહિ, ઘણા દિવસની ઝીણી મોટી કનડગત હાલી આવે, એમાં આજ અઘટિત વેણ સાંભળ્યું. તે ટાણે ગીગો ઘૂંટડો ઉતારી તો ગયો, પણ એટલું કહી દીધું કે “કાકા, ભુંડણનો છું કે સિંહણનો, તે તો તમે હવે જોજો !”

ધાનનો કોળીઓ એને ઝેર થઈ ગયો. ઘરમાં કે ગામમાં ક્યાં યે જીવને ગોઠ્યું નહિ. પેાતાના ચાર ભાઈએાને લઈને ગીગો કુટુંબ માથે જ રીસામણે નીકળી ગયો.

કણેરીથી ઉગમણે પડખે થોડેક છેટ પ્રાંસળી નામે ગામડું છે. પિત્રાઈના સંતાપથી ગળે આવી રહેલ ગીગો પ્રાંસળીમાં એક દિવસ બપોરે મહેમાન થયો છે. ભાઈબંધોની પાસે કાકાઓની કનડગત ગાય છે. વાત કરતાં કરતાં એના મ્હોંમાંથી વચન નીકળી ગયું કે “હવે તે ગળોગળ આવી ગયો છું ભાઈ !” [ ૨૩ ] “ગીગા !” સંબંધીઓ એને ઠારે છે: “હોય, કટંબ હોય ત્યાં એમ જ ચાલે. ભેળાં પડેલાં ભાણાં કોઈક દિવસ ખડખડે ય ખરાં, પણ એ વાત ઉપર વેરનાં બી ન વવાય. આપણાં બળ જોર એમ ધૂડ જેવી વાતમાં ખોઈ બેસાય છે મારા બાપ?”

રોટલા ખાઈને હોકો પીતાં પીતાં જુવાન ગીગલો ઝોલે ગયો એટલે એના સોળે ભેરૂબંધો છાનામાના ત્યાંથી સરીને નીકળી ગયા. થોડી વારે ગીગો જાગ્યો. બે ઘડીની નીંદરમાં એના અંતરની આગ કાંઈક ઓછી થઈ ગઈ હતી. પણ જાગીને જોયું તો સોળમાંથી એકેય સંગાથી ન મળે. ગીગાને વહેમ આવી ગયો: “નક્કી મને કાળી ટીલી દેવા ગયા !” એમ બોલતો એ ઉઠ્યો. કણેરીને માર્ગે એણે દોટ દીધી. કણેરીનું પાદર થોડુંક છેટું રહ્યું ત્યાં ફડાફડી અને રીડીયા ચસ્કા સંભળાણા. સાંભળતાં જ ગીગાના પગ ભાંગી ગયા. મનમાં ભે પેસી ગઈ. પાદરે પહોંચીને જોયું તો ચાર કાકામાંથી રતા અને અમરાની બે લાશ પડી હતી. લોહીની ખાંદણ મચી હતી. અને ખૂન કરીને ભાઈઓ ઉભા હતા. ભાઈઓએ સાદ કર્યો કે “હાલ્ય ગીગા ! આનાં લોહી પીએ.”

“અરે બસ કરો, બાપ ! તમે ઢીમ ઢાળી દીધાં. આવડી ઉતાવળ ? મારો માનખ્યો બગાડી મૂક્યો !”

કાકાની લાશ ઉપર ગીગે પેાતાની પછેડી ઓઢાડી દીધી. અને પોતે પડખે બેસીને પોક મેલી રોયો. સાચે આંસુડે રોયો. પછી તો માથે બે ખૂન ચડ્યાં. ધોડવું'તું ને ઢાળ આવ્યો ! ખૂનને સાટે ફાંસીએ ચડવાનો કાયદો એ વખતનાં માણસોને ભાવે શેનો ? એટલે એણે પોતાના માણસોને કહ્યું :

"ભાઈ, આમે ય હવે મોત તો માથે ગાજી જ રહ્યું છે. તો પછી ડાહ્યા ડમરા થઇને કૂતરાને મોતે શીદ મરવું ? મલકમાં નામાં

કામાં રહી જાય એ રીતે થોડીક મરદાઈ પણ ભજવી લેશું ને ?” [ ૨૪ ] 



આવે કુટુંબી કારણે ગીગો બહાર નીકળ્યો. અને ગીગાની વાંસે જુનાગઢની ગીસ્તો છૂટી. ગરના ડુંગરામાં ગીગો ડણકો દેવા લાગ્યો અને ગામડાં ભાંગવાનો આદર કર્યો. એમાં એક દિવસ એને એક આદમીએ આવીને બે વાતના વાવડ દીધા કે : “ગીગા મકા ! તમારા બાપ મૂળુ મકાનો દેહ છૂટી ગયો.”

“શી રીતે ભાઈ ?”

મૂળુ મકો ભાગતા ફરતા'તા. એમાં ઝલાણા. એને જૂનેગઢ લઈ જાતા'તા. એમાં દાત્રાણા ગામની પાસે નાગડી ગામને ચોરે મૂળુ મકે શરમનાં માર્યા પેટ તરવાર નાખીને પ્રાણ કાઢ્યા; ને બીજું તો તમે આંહી લહેર કરો છો, પણ તમારી કણેરીને માથે તો મકરાણીની એકના સાટાની ત્રણ ગીસ્તો પડી છે.”

“રંગ જુનાગઢને, મારી કણેરીની કીર્તિ વધી. ગીગાને માટે ત્રણ ત્રણ ગીસ્તો ! ગીગો ઠેર ગરમાં, ને ગીસ્તોના પહેરા ચાળીસ ગાઉ છેટે કણેરીમાં. રંગ ! કોણ કોણ છે એના આગેવાન ?"

“એક તો શંકર, બીજો બાદશા જમાદાર, ને ત્રીજો અભરામ પાડાળો. ત્રણે મકરાણીઓ."

“ભાઈ ! ભાઈ ! ત્રણે જણા મરદના દીકરા ! એને વાવડ દ્યો કે ગીગો આંહીં બેઠા બેઠા તમારી વાટ જોવે છે. કદાચ એને ખબર નહિ હોય.”

“બરાબર ખબર છે. પણ કણેરીમાં એને કાંઈ દ:ખ પીડા નથી.”

“તો આપણે જ સામે ચાલીને જઈએ. એને શીદ ફેરવણી કરાવવી !”

ગીરમાંથી ગીગો ચડ્યો. કણેરીને સીમાડે આવીને સહુ ઉતરી પડ્યા. શુકન જોયા વિના ગીગો કદિ કોઈ ગામના સીમાડામાં [ ૨૫ ] પગ મેલતો નહિ. શકન જોવાની રીત પણ નોખી જ ભાતની. સીમાડે સહુ બેસે ને પોતે સૂવે. સૂતાં સૂતાં આંખમાં નીંદર ભરાય એટલે પોતે ઉભો થાય, કાં તો પાછો ફરી જાય, ને કાં શ્રીફળ લઈને સીમાડામાં દાખલ થાય. કણેરી માથે ચડવામાં શુકન જોયાં તે સારાં નીવડ્યાં. નાળીએર લઈને ગીગો આગળ થયો. વાંસે એનું દળ હાલ્યું. ગામને પાદર જઈને ઝાંપાના પત્થર ઉપર નાળીએર વધેર્યું. સહુએ માતાજીની શેષ ચાખીને પછી ગામમાં પગલાં દીધા. બરાબર ચોકમાં જ ગીસ્તો પડી છે. પણ મોતની ભે તો ગીગાને રહી નહોતી. 'જે નાગબાઈ !' લલકારીને ગીગો પડ્યો. એમાં બે કોરથી મકરાણીઓની સાઠ સાઠ દેશી બંદૂક છૂટી, પણ ગીગાના જણમાંથી એક જ જણને જખમ થયો. બીજા બધા કોરેકાટ રહી ગયા.

“હાં ભેરૂબંધો ! આઈ નાગબાઈ આજ ભેરે છે.” એમ બોલીને ગીગો ઠેક્યો. ધૂધકારીને જેમ દોટ દીધી તેમ મકરાણી શંકર, બાદશા જમાદાર ને અભરામ પાડો, ત્રણે ભાગ્યા. ગીગાએ પેલા બેને તો હડફટમાં લઈ પછાડી બંદૂકે દીધા. પણ અભરામ પાડો ઝાડ ઉપર ચડી ગયો. એને ગોતતા ગોતતા બારવટીયા પાદર આવ્યા, ને જેમ ઉચે નજર કરે તેમ ત્યાં ઝાડની ડાળ્યે અભરામને દીઠો. જેમ ગીગે બંદુક નોંધી તેમ તો અભરામે ડીલ પડતું મેલ્યું. આવી પડ્યો ગીગાના પગમાં. પગ ઝાલી લીધા. બોલ્યો “એ ગીગા ! તેરા ગુલામ !”

“હે...ઠ મકરાણી ! ખાઈ બગાડ્યું ? જા ભાગી જા. હું ગીગો. હું શરણાગતને ન મારું, જા ઝટ જુનાગઢ, ને વાવડ દે કે ગીગો આજ કણેરીમાં જ રે'વાનો છે.”

અભરામને જીવતો જવા દીધો. પોતે કણેરીમાં આખો દિવસ રોકાણો. બાપનું સ્નાન કર્યું. અને “હવે મકરાણી ફરીવાર આવે તો મને છીંદરીની ઝાડીમાં વાવડ દેજો !” એટલું કહી

ગીગો ચડી નીકળ્યો. [ ૨૬ ] 



કણેરીને પાદર જેને પૂરો કર્યો એજ બાદશાહ જમાદારનો જુવાન દીકરો બીજી ગીસ્ત લઈને મહીયાવાડ ખુંદવા મંડ્યો અને શેરગઢ ગામને ચોરે બેસી બડાઈ હાંકવા લાગ્યો કે “અબે ગીગા ! ગીગા ! ક્યા કરતે હો ? ઓ તો બચાડી ગીગલી. નામ જ ગીગલી ! ઓ બચાડી ક્યા કરે ! એક વાર મેરેકુ મોકા મિલ જાય, તો મેં ગીગલીકું બતા દું.”

જમાદાર જ્યારે બોલવામાં હદ છાંડવા લાગ્યા ત્યારે એક ગામેતી ગરાસીઆથી ન સહેવાણું. એણે કહ્યું કે “તો પછી જમાદાર, આ પડ્યો ગીગલો છીંદરીની ઝાડીમાં. ક્યાં છેટું છે ? કરોને પારખું ?”

જમાદાર હતા ચડાઉ ધનેડું. ચડ્યા, જાણભેદુ હતા તેઓ એને જગ્યા ચીંધાડવા ચાલ્યા. છીંદરીની ઘાટી ઝાડીમાં એક બેખડની ઓથે ગીગો એની ટોળી સાથે બેઠેલો. ગીસ્તને ભાળતાં જ બારવટીયા ભેખડની પછવાડે બીજે ઠેકાણે ઓથ લઈ ગયા અને દુશ્મનને ભૂલથાપ દેવા માટે પેાતાની પાઘડીઓ ભેખડની ટોચે મૂકી. આંહી મકરાણી જમાદાર તો મોતીમાર હતો. એક વડલાની ઓથ લઈને થડની વચ્ચે થોડોક માર્ગ હતો ત્યાંથી ગેાળીઓ છોડવા લાગ્યો. પટોપટ ગોળીઓ પાઘડીઓને લાગતી ગઈ. ગીગાની આંખ બીજી જગ્યાએથી ઘણી ય ગોતે છે કે આ ગોળીઓ આવે છે કયાંથી ! પણ કોઈ બંદૂકદાર દેખાતો નથી. એમાં ગીગાએ વડલાની બે જાડી વડવાઈઓ એક બીજી સાથે અડોઅડ હતી તેની ચીરાડમાં કાંઈક હલચલ દીઠી. બરાબર ચીરાડમાં નોંધીને બંદૂક ચલાવી. પહેલે જ ભડાકે જમાદાર ઢળી પડ્યા.

જમાદારની મૈયતને ઉપાડી શેરગઢ લાવ્યા. હજી તો સવારે જે જમાદારે શેખી કરી હતી તેની જ આ મૈયત દેખીને મહીયા

પેટ ભરી ભરીને હસ્યા. [ ૨૭ ] 



ફાગણ શુદ પૂનમની હોળી તો સહુ પ્રગટે, પણ ગીગા બંકડાની હોળી નોખી જ ભાત્યની. જૂનાગઢથી વેરાવળ જાવાની ધોરી સડક હતી. એ સડકને કાંઠે, પાણીધરા ગામને સીમાડે, આજ જે ગીગાધાર કહેવાય છે તે ધાર ઉપર ગીગા ચોડેધાડે રહેતો હતો. એમાં કોઈએ યાદ આપ્યું કે “આજ ફાગણ શુદ પૂનમ છે ગીગા ! આજ ક્યાંઈક હોળી માતાનાં દર્શન કરવા અને દુહા સાંભળવા જઈએ.”

વિચાર કરીને ગીગો બોલ્યો કે “આપણે આંહીં આપણી નેાખી હોળી પરગટીએ અને દુહા રાસડા ગાવા માટે સહુને આંહી જ બોલાવીએ તો કેમ ?”

“તો સુધું સારૂં.”

“ઠીક ત્યારે, અટાણથી સડકને કાંઠે ઓડા ઝાલીને બેસી જાઈએ અને હોળી માતાનો પૂજાપો સરસામાન ભેળો કરીએ.”

રૂ કપાસનાં ધાકડાં લઈને ગાડાંની હેડ્યો જૂનાગઢથી વેરાવળ જાય છે. ધોરીને ગળે ટેકરીઓ વગડે છે. મોટી બજાર જેવી રાહદારી સડક ઉપર બારવટીયાની તલભાર પણ બ્હીક નથી ! ગાડાખેડુ કાગાનીંદર કરતા કરતા હાંક્યે જાય છે. એમાં ગીગાધાર ઢૂકડા આવતાં ત્રાડ પડી કે “ગાડાં થોભાવો !”

“કાં ભાઈ ? નવાબ સરકારનાં ધોકડાં છે.”

“હા, એટલે જ અમે તાણ્ય કરીએ ને ભાઈ ! ઉતારી નાખો ધોકડાં.”

ગાડાખેડુએ કળી ગયા કે આ તો ગીગાનો થાપો પડ્યો છે. ધોકડાં ઉલાળી નાખ્યાં.

“તમારું ભાડું કેટલું ઠર્યું'તું ભાઈ ?”

“પંદર પંદર કોરી.” [ ૨૮ ] “આ લ્યો, ભાડું ચૂકતે લેતા જાવ. તમારાં છોકરાંને આજ વરસ દિવસને પરબે ખજુર ટોપરા વિના ન રખાય. અને કોઈ પૂછે તો કહેજો કે ગીગે હુતાશણી પ્રગટવા સાટુ ધાકડાં રોકી લીધાં છે.” પોતપોતાનું પૂરેપૂરું ભાડું લઈને ગાડાવાળાએ ગાડાં હાંક્યાં. ત્યાં તો ગીગાને કાંઈક સાંભર્યું. બૂમ પાડી, “એલા ભાઈ, આજ આંહી હોળી પરગટશું, રમશું ને ગાશું. રોકાઈ જાવને ?”

“બાપા, અમને માફ કરો. અમારે માથે માછલાં ધોવાશે.”

“હેઠ બીકણ ! ઠીક, મંડો ભાગવા. રસ્તે જે મળે એને કહેતા જાજો, કે પાણીધરાને સીમાડે ધાર માથે ગીગાએ આજ રાતે સહુને દુહા ગાવા ને ખજૂર ખાવા તેડાવ્યા છે. ગીસ્તું મને ગેાતતી હોય તો એને પણ કહેજો હો કે ?”

“પણ ગીગા મકા !” ભેરૂ બોલ્યા, “ખજૂર ટોપરાંનો બંદોબસ્ત કરવા પડશે ને ?”

“ભાઈ, આંહીં બેઠે જ એ બધું થઈ રહેશે. આંહીથી જ ખજૂરનાં વાડીયાં, તેલના કુડલા, ટોપરાના કોથળા વગેરે હોળીની સંધીય સામગ્રી નીકળશે. જોઇએ તેટલી ઉતરાવી લેજો. પણ ગાડાખેડુને ભાડાંની કોરીયું ચૂકવવાનું ભૂલશો નહિ. આજ મોટા તહેવારને દિવસ એનાં છોકરાંને હોળીના હારડા વગર ટળવળાવાય નહિ હો કે ?”

સાંજ પડી ત્યાં સડકને કાંઠે રૂનાં ધોકડાં, તેલના કૂડલા, ખજૂરનાં વાડીયાં, ટોપરાના વાટકાના કોથળા, શીંગોની ગુણ વગેરેના ગંજ ખડકાણા. અને રૂનાં ધોકડાંમાં તેલના કૂડલા મુકીને ગીગાએ હોળી ગોઠવી. આજુબાજુનાં ગામડાંમાં ખબર પડી હતી એટલે રાત પડ્યે લોકોનો પણ ઠીક ઠીક જમાવ થઈ ગયો. પૂનમને ચાંદે ગિરનારની ટુંકો વચ્ચેથી જેમ ઝળહળતી કો૨ કાઢી, તેમ આંહીં ગીગાધારે પણ હોળીની ઝાળ નીકળી. આસપાસના ગામડાંમાં છાણાંની હોળીઓના ભડકા દેખાતા હતા તેની વચ્ચે ગીગાની હોળીની ઝાળો [ ૨૯ ] તો આભે જાતી અડી. બારવટીએ પ્રદક્ષિણા દઈને પાણીની ધારાવાડી દીધી. હોળીમાં નાળીએર હોમ્યાં. કુદી કુદીને ઝાળો વચ્ચેથી નાળીએરો કાઢી લેવાની હોડ રમાણી. અને પછી જેમ ઝાળ નમવા માંડી, ચાંદો આકાશે ચડીને રૂપાના રસની રેલમછેલ કરવા માંડ્યો, તે વખતે આંહી ગીગાધારે સોરઠના સરખે સરખા દુહાગીરો સામસામી પંગતો કરી કરીને દુહાની રમઝટ બોલાવવા લાગ્યા. દાંડીયા રાસ રમાણા. આખી રાત આભમાં ને ધરતીમાં, બેય ઠેકાણે આનંદના ઓઘ ઉમટ્યા. પ્રભાતે પોતાનો નેજો ઉપાડીને ગીગો ગીગાધાર માથેથી ઉતરી ગયો. ગરની વાટ ઝાલી લીધી.


ખીલાવડ ગામના ગામેતી. જોખીઆ શાખના મુસલમાન, નામે શુભાગો જમાદાર, ગીસ્ત લઈને ઉતર્યા છે. ગાળે ગાળે ગીગાને ગોતે છે. એમાં વાવડ મળ્યા કે ગીગો તો દાદરેચા ડુંગર ઢૂકડો રાણધારના નેસ પાસે પડ્યો છે. બાતમીદારે કહ્યું કે “જમાદાર સાહેબ, ઈ સાવઝની બોડમાં જવા જેવું નથી. એને આપણે પહેલા બહાર નીકળવા દઈએ.”

પણ જમાદારને પોતાની ભુજાનું અભિમાન હતું. એણે કહ્યું કે “સાવઝને પડમાં આવવા દઈને મારવામાં શી બહાદૂરી બળી છે ! બોડમાં જઈને બંધૂકે દઉં તો જ હું સાચો સિપાઈબચ્ચો !”

“જમાદાર ! રેવા દ્યો." પણ જમાદારને તો ખેંચપકડમાં વધુ જોર આવ્યું. જાડા જણને બંદૂકો સહિત ઉપાડ્યા. ત્યાં ગીગાનો નેજો દેખાણો. નેજા વિના તો ગીગો ક્યાંય રહેતો નહિ. વાર આવતી દેખાણી. ઘડીક થયું ત્યાં વારે બહારવટીયાને વીંટી લીધા, એટલે હોકો મેલીને ગીગે તરવાર લીધી. પડકારીને જેમ સામે પગલે દોટ દીધી તેમ ગીસ્તનાં મકરાણીઓએ [ ૩૦ ] બંદૂક સોતા પડ દઈ દીધું. જમાદાર ઘોડેસવાર હતો તે એકલો ઉભો થઈ રહ્યો. દોડીને ગીગે ઘોડાની વાઘ ઝાલી લીધી. એટલે ચતુર જમાદારને ઓસાણ ચડી ગયું. એણે ગીગાને રંગ દીધા.: “શાબાસ ગીગા ! શાબાસ તારી જણનારીને ! સો સો શાબાસીયું છે તુંને શુરા ! હવે બસ કરી જા દોસ્ત !”

શાબાસી સાંભળીને ફુલાઈ ગયેલા ગીગાએ ઘોડાની વાઘ છોડી દીધી અને કહ્યું કે “ જમાદાર. જાઓ પધારો ! વળી જે દિ' પાણી ચડે તે દિ' આવજો. ગીગાનું ઠેકાણું ગરમાં અછતું નથી હોતું. એનો તો મલક છતરાયો નેજો ફરકે છે.

દાદરેચા ડુંગર પાસે ગીગાનું આ રહેઠાણુ હજુ પણ 'ગીગા પથારી અને 'ગીગો વીરડો' એવે નામે ઓળખાય છે.


ગોધમા ડુંગરની તળેટીમાં નાગડી નામનું ગામ છે. એ ગામના એક ખેડુના ઘરમાંથી ખરે બપોરે ખેતરે ભાત દેવા સારૂ પટેલની દીકરા-વહુ તૈયાર થાતી હતી. પણ બાપને ઘેરથી તાજી જ આણું વળીને આવતી હતી અને માવતરે કરીયાવર પણ કોડે કોડે અઢળક આપ્યો હતો, એટલે આ જુવાન વહુને પહેરવા ઓઢવાના લ્હાવા લેવા બહુ ગમતા હતા. વળી પોતાના પિયુજીને જ ભાત જમાડવા જવા કરતા બીજો કયો વધુ રૂડો અવસર પહેરવા ઓઢવાનો હોય ? ખેડુની દીકરા-વહુએ ભરત ભરેલાં કાપડું ને થેપાડું તો પહેર્યા, તેની ઉપર રાતા ગલરેટાનો સાડલો ઓઢ્યો, પણ તે ઉપરાંત એણે તો હાથ, પગ, ડોક અને નાક કાનમાં જેટલા હતાં તેટલાં ઘરાણાં પણ ચડાવ્યાં. એક તો જુવાન કણબણ અને એમાં આ શણગાર: રૂપની જ્યોતો છુટી ગઇ. પણ જેમ ભાતની તાંસળી ને છાશની દોણી મોતીઆળી [ ૩૧ ] ઈઢોણી ઉપર લઈ માથે ચડાવ્યાં તેમ સાસુની નજર પડી. સાસુની આંખ ફાટી ગઈ. પૂછ્યું,

“અરે વહુ, આ પીળી ધમરક થઈને ક્યાં હાલી ?"

“બીજે ક્યાં વળી ! ખેતરે ભાત દેવા.”

“અરે પણ અડબોત મારીને આ તારા લાડ ઉતારી લેશે, મેાટી સાહેબજાદી !”

“કોણ ઉતારતા'તા વળી ?”

“ઓલ્યો તારો બાપ !”

“પણ કોણ ?”

“ઓલ્યો બારવટીયો ગીગલો મૈયો. આંહી ગોધમાની ગાળીમાં વાટ જોઈને જ બેઠો હશે.”

“લ્યો રાખો રાખો બાઈજી ! તમે તો દેખી જ નથી શકતાં. તમારી આંખ્યુંમાં મૂઠી મરચાં ભરો, મરચાં : હું તો આ હાલી.”

આખાબોલી અને અબોધ કણબણ કાંબી કડલાં રણકાવતી અને ફરડ ! ફરડ ! લુગડાં ગજાવતી ચાલી નીકળી. વાંસે વૃદ્ધ સાસુએ એકલા એકલા આખું ગામ સાંભળે તેમ બડબડ બોલ્યા જ કર્યું. અને આંહી જ્યાં વહુ ગામ મેલીને છેટેરી નીકળી તેમ ગોધમે ડુંગરેથી તીણી આંખો ફેરવતા ચાડિકાએ બારવટીયાને કહ્યું કે “આપા ગીગા ! કોક ભતવારી જાય. જાડા જણનું ભાત લાગે છે.”

“હાં દોડો. ભાત લઈ લ્યો, અને ઘરેણું હોય તો એ પણ હાથ ખરચી સાટું ઠીક પડશે."

બિલ્લીપગા બહારવટીયા દોડીને બાઈ આડા ફરી વળ્યા. એને પડકારી : “ઉભી રે' એ બાઈ !”

બંદૂકવાળા બોકાનીદારોને ભાળી ભે ખાઈ કણબણ થંભી ગઈ. [ ૩૨ ] “બાઈ, ઈ ઘરાણાં ને ઈ ભાત આંહી હેઠે મેલીને હાલી જા બાપ.” બારવટીયાએ એક સુંડી ભરાય તેટલાં સોનાં રૂપાં ભાળીને ભાન ગુમાવ્યું.

“તમે કોણ છો ?” કરડી આંખવાળા અને બીજાથી સવાયા પ્રભાવશાળી દેખાતા જણને બાઈએ બેસી ગયેલે અવાજે પૂછ્યું.

“હું ગીગો મૈયો, બાઇ ! તું વાર લગાડ એટલું નકામું છે. ઠાલી ચીથરાં શીદ ફાડછ !”

“તમે પોતે જ ગીગા બાપુ ?"

“હા, હું બાપુ ફાપુ નહિ, પણ ગીગો ખરો - અરે ગીગલો કહે તો ય શું ? અમારે તો કામનું કામ છે ને ? અમારે મકરાણીનાં માથાં જોવે ને શાહુકારનાં સોનાં રૂપાં જોવે. કાઢી દે ઝટ.”

“વોય માડી ! તયેં તો મારી કાળજીભી સાસુનું કહેવું સાચું પડ્યું !” એટલું કહીને કણબણ ચારે કોર જોવા લાગી.

“શું કહ્યું'તું તારી સાસુએ ? ઈ યે અમારે સાંભળવું પડશે ? ઠીક બાઈ, કહી નાખજે ઝટ. અમે ભૂખ્યા છીએ.”

“મારી સાસુએ કહ્યું'તું કે આ ઘરાણાં ઠાંસીને જાછ તે તારો બાપ ગીગો બારવટીયો ગોધમેથી ઉતરીને લૂંટી લેશે ! મેં કહ્યું કે ભલે મારો બાપ ગીગો લૂંટી લ્યે.”

“મને તારો બાપ કહ્યો'તો તારી સાસુએ ? સાચેસાચ ?"

“હા, સાચેસાચ.”

“તયીં તો હું તારો બાપ ઠર્યો. એલા ભાઈ જુવોને ! હું બાપ થઈને આ દીકરીને લૂંટું ?”

“અરેરે, લૂંટાય કાંઈ ?”

“ઉલટાનું કાપડું દેવું જોવે ને ?”

“હા જ તો.” [ ૩૩ ] “એલા ભાઈ, આપો એને મુઠી ભરીને કોરીયું, પણ એલી દીકરી, તું દીકરી ઠરી એટલે બાપ ભૂખ્યો હોય એને ખવરાવ તો ખરી ને ?”

“હાજ તો બાપુ.”

“ત્યારે મેલી દે ભાતના રોટલા. અમે ગોધમે જઈને પેટ ઠારશું. છાશની દોણી ય દઈ દેજે. તારી તાંસળી પાછી લઈ જા. દીકરીના ઘરનું ઠામડું ય મારે ન ખપે.”

“બાપુ, વધુ છાશ રોટલા લઇ આવું ?” હરખે ઉભરાતી કણબણે પૂછ્યું.

“ના, હવે તું આવતી નહિ. નકર કોક ખાટસવાદીઆ તને લૂટશે ને નામ ગીગલાનું લેશે ભાગવા માંડ ઝટ.”


ગીરના ગાળા વટાવતી બે ચારણીઆણીઓ ચાલી આવે છે. લોકો વાતો કહે છે કે એ બેય કાળીલા ગામની હતી. એક વહુ ને બીજી સાસુ : એક જુવાન ને બીજી આધેડ ઉંમરની : બેયને માથે કાળી ઝેબાણ કામળીઓ ઝુલે છે. ગૂઢા રંગોનાં લૂગડાંમાં ગૌરવરણાં મોઢાં અંધારતી સાંજના આથમણા રંગો જેવાં ખીલી ઉઠે છે. બરાબર બપોર માથે આવ્યો, વગડો વરાળો નાખવા માંડ્યો અને સીમમાં પાંખી પાંખી વાડીઓના કોસ છૂટવા લાગ્યા, ત્યારે ચારણ્યો આદસંગ પાસે પાટી ગામને પાદર આવી.

“ફુઈ ! તરસ લાગી છે.” જુવાનડીએ અધીરાઇ બતાવી.

“ભલેં બાપ ! હાલો આ ઝાંપા ઢૂકડા ફળીમાં પી આવીએ ”

ગામ ઉજ્જડ છે. ઉભી બજારે એક પણ માણસ દેખાતું નથી. બોલાસ પણ ન મળે. પાદર પાસે મોટી ડેલી હતી તેમાં દાખલ [ ૩૪ ] થઈને ચારણ્યો ઓસરીએ પહોંચી. લાંબી લાંબી એક જ ઓસરીએ ત્રણ ચાર ઓરડા હતા, અને તેમાંથી છેલ્લા એારડામાં કાંઇક તૂટવાના ધડાકા થાતા લાગ્યા. સામે ઓરડે જઈને ઓસરી પાસે ઉભાં રહી મોટેરી ચારણ્યે અવાજ દીધો કે “કોક અમને વાટમાર્ગુને ટાઢાં પાણી પાજો બાપ !”

ઓરડામાંથી એક આધેડ બાઈ બહાર નીકળી અને ઓસરીમાં પાણીઆરૂં હતું ત્યાંથી કળશીઓ ભરીને બન્ને મુસાફરોને પાણી પાયું.

“હાશ ! ખમ્મા તુંને દીકરી ! મારાં પેટ ઠર્યાં. તારાં ય એવાં જ ઠરજો ! અમૃત જેવું પાણી હો !” એમ કહીને મોટેરી ચારણ્યે આશીર્વાદ આપ્યા. અને છેલ્લે એારડે ધડાકા જોશભેર સંભળાવા લાગ્યા. ચારણ્યે બાઈને ચૂપ જોઈને પૂછ્યું :

“આ શું થાય છે ? આ ધડાકા ને આ ગોકીરા શેના છે બાપુ ?"

“કાંઈ નહિ આઈ ! તમે તમારે હવે સીધાવો.” બોલતાં બોલતાં બાઈની આંખોમાં જળ ઉભરાણાં.

“અરે બાપ, તું કોચવાછ શીદ ? શી વાત છે ? કહે ઝટ. હું આંહીથી તે વિના જાઈશ નહિ.”

ધડાકા ને હાકોટા વધે છે.

“આઈ ! અમારાં ફુટી ગયાં. અમને લૂંટે છે. તમે ઝટ માર્ગે ચડો.”

“અરે કોણ લૂટે છે ?” જુવાન ચારણી આંખ રાતી કરતી પૂછે છે.

“ગીગલો મૈયો. પણ આઈ ! તમે તમારે માર્ગે પડો.”

મોટી ચારણ્યે જુવાન ચારણ્યની સામે જોયું. પલકારામાં બેયની આંખેાએ જાણે સંતલસ કરી લીધા. મોટેરી ચારણ્ય એાસરીએ ચડી. પાછળ જુવાનડીએ પગલાં માંડ્યાં. અંદર જઈને [ ૩૫ ] જોયું. બેઠી બેઠી બાઈઓ રૂવે છે. બે પટારા : તાજા આણાંના ઘરમાં આવ્યા હોય તેવા ચળકતા: પીતળને પતરે નકસી કરીને શણગારેલા : એવા બે પટારા ઓરડામાં માંડ્યા છે.

ચારણ્યો ઓરડે આવી, એટલે જાણે ઘરમાં દીવા થયા. ઘેરે અવાજે ચારણ્યે પૂછ્યું “તમારૂં જરજોખમ કયા ઓરડામાં છે બાઇયું ?”

“આ ઓરડામાં આઈ ! અમે હજી આણું વળીને બાપને ઘેરથી હાલી આવીએ છીએ. ને હમણાં અમારા અભરેભર્યા પટારા તૂટશે, આઈ !” જુવાન વહુએ ફાળે જાતી જાતી છાનું છાનું કહેવા લાગી.

“તમારા મરદો-તમારાં એાઢણાંના ધણી ક્યાં ?”

“ભાગી ગયા–બારવટીયાની ભેથી.”

“ભાગી ગયા ? તમને મેલીને ? જાતે કેવા ?”

“આયર.”

“હાય હાય જોગમાયા ! આયરોનું પાણી ગયું ?”

“આઈ ! તમે ઝટ નીકળી જાઓ.”

બેય ચારણ્યે એક બીજીની સામે જોયું. ફરી વાત કરી. અક્કેક પટારા ઉપર અક્કેક જણ ચડી બેઠી. કામળીઓ માથા પરથી ઉતારીને કેડ્યે વીંટી લીધી. મોવાળા મોકળા મેલ્યા. મ્હોં ઉપર લટો રમવા માંડી ને આંખની અંદર લાલપ ઘુંટાવા લાગી. મોટેરીએ આયરાણીઓને કહ્યું:

“બાઈયું ! બે મોટા ઉપરવટણા લાવજો તો !”

પાણા આવ્યા. દસ દસ શેરીઆ પત્થર હાથમાં લઈને બેય જણીઓ બેઠી. ત્યાં તો બોકાસો ઢૂકડો આવ્યો. બુકાનીદાર લુંટારા, ભેરવ જેવા ભયંકર, હાથમાં લાકડી, તલવારો ને ખભે બંદુકો લઈ ઓરડે આવ્યા. નજર કરતાં જ ઓઝપાયા. થંભીને ઉભા થઈ રહ્યા. એક બીજા સામે નજરો નોંધી. વેશ ઉપરથી વરતી [ ૩૬ ] ગયા. અણસાર પણ ઓળખાઈ. અંદરે અંદર વાતો કરી: “ચારણ્યું લાગે છે.”

“વાંધો નહિ. કહી જોઈએ. નીકર પછી એની પત્ય નહિ રાખીએ.” એક આદમીએ ચારણ્યોને વિનવી જોઈ:

“આઈયું ! અમે તમને પગે લાગીએ છીએ. હેઠાં ઉતરો.”

“બાપ !” ચારણી ઉંડે ગળે બોલી; “હેઠાં તો હવે આ ભવ ઉતરી રહ્યાં.”

“તો અમારે બાવડે ઝાલીને ઉતારવાં જોશે.”

“તો તો બાપ ! લોહીએ તુને અંધોળાવી જ દઈંએ ને !” એ વેણ જુવાનડીનાં હતાં. સાંભળીને લુંટારાનાં કઠોર હૈયાં પણ કાંપી ઉઠ્યાં.

“બોલાવો આપા ગીગાને.” એક જણે બીજાને કહ્યું.

ગીગો ગામમાં બીજે ઠેકાણે લૂંટતો હતો, ત્યાંથી આ ખબર સાંભળીને ઉપડતે પગલે આવી પહોંચ્યો. એણે ચંડી રૂપ ધરીને બેઠેલી બે ચારણ્યો દીઠી. એણે પાઘડીને છેડે અંતરવાશ નાખીને હાથ જોડી વિનવણી કરી કે “આઇયું ! દયા કરીને હેઠીયું ઉતરો. અમારે બહુ વપત્ય પડી છે. અમે બોડી બામણીને ખેતરે નથી આવ્યા. આ જ ખોરડાનો ધણી કુંભો વાઘ મને ન કહેવાનાં વેણ કહેવરાવતો હતા. અને આજ હું ઈ આયરૂંનાં પાણી માપવા આવ્યો છું. તમારે ને એને શા લેવા દેવા ? ગીગો તમારે ચરણે તમે કહો ઈ ધરે. હેઠાં ઉતરો.”

“વિસામા ! બાપ વિસામા !” ચારણીએ ઠપકામાં હેત ભેળવીને જવાબ દીધો, “વિસામા ! તું ગીગો આજ ઉઠીને અમને મોરાપાં ખાનારીયું માનછ ? અરે વિસામા ! આવડાં બધાં વેણ?"

“આઈ ! કોઈ રીતે ઉતરો ?”

“બાપ ! હવે તો અમે મરું તે કેડે !”

“પણ એવડું કારણ ?” [ ૩૭ ] “વિસામા ! અમે વાટેથી આવીને આ ઘરનાં પાણી પીધાં.”

“પાણી પીધાં ? બસ, એટલા સાટુ !”

“બસ બાપ ! પાણી પીધાં, એટલા સાટુ.”

ગીગો ઉભો થઈ રહ્યો એકેએક જણ અબોલ ઉભું છે. સહુના શ્વાસ સંભળાય છે. આગ ભાળીને વનમાં ભયંકર વનચરો પણ પૂછડીઓ સંકેાડી જાય, તેવું આ લૂંટારાઓનું બની ગયું. થોડીક વાર થઈ. ચારણ્યે છેલ્લી વાર કહ્યું:

“ગીગા ! બાપ ! ઠાલો ખોટી મ થા. અમે પાણી પીધાં છે. અને હવે લૂંટ્યું એટલું લઈને ભાગવા માંડજે, ગીગા !”

ગામ ભાંગ્યા વગર ગીગો ચાલી નીકળ્યો. કેટલાય દિવસ સુધી એના મનમાં ભણકારા બોલતા રહ્યા કે “ વિસામા ! અમે એનાં પાણી પીધાં છે !”


રમજાન માસ પૂરો થઈને ઈદનું સવાર પડતું આવે છે. પ્રભાસ પાટણથી ઈશાન ખુણા તરફ એક માફાળું વેલડું ચાલ્યું જાય છે. અને વેલડા વાંસે એક પગપાળો વોળાવીઓ ચાલ્યો આવે છે. પગના અંગૂઠા યે ન દેખાઈ જાય એવડો લાંબો અંગરખો પહેરેલો અને તે ઉપર કમરથી છાતી સુધી અરધાક તાકાની ભેટ બાંધેલી : એ ભેટમાં કટાર અને જમૈયો ધબેલાં : ખંભે ઢાલ, કેડે તલવાર અને હાથમાં જામગરીવાળી અમદાવાદી બંદૂક હતી : સીત્તેર વરસ વટાવી ગએલ બુઢ્ઢો વોળાવીઓ પૂરી પરજથી વેલડાને પડખે વહ્યો આવે છે.

એની પછવાડે પછવાડે એક વૃદ્ધ બાઈ પોતાના બે વરસના દીકરાના દીકરાને તેડીને ચાલ્યાં આવે છે. દીકરાના શરીર ઉપર શીતળાનાં તાજા ચાઠાં છે, દાદી મા અને દીકરો, બેયનાં [ ૩૮ ] શરીર ગૌરવર્ણાં છે. કરચલીઆળી મુખમુદ્રામાંથી જૂના કાળની નાગરી ન્યાતની નમણાઈ અને જવાંમર્દી નીતરે છે.

“માજી ! હવે કેટલા દિવસ બાકી રહ્યા ?” બુઢ્ઢા વોળાવીઆએ ડોસીમાને રસ્તે પૂછ્યું.

“આજ છેલ્લો જ દિ' છે મિયાં ! આજ માતાજીની પાસે શિવપ્રસાદને છેલ્લી વાર પગે લગાડી આવીએ, એટલે મારી બાધા છૂટી જાશે. તમને બરાબર રોજા મહિનામાં જ રોજ રોજ પંથ કરાવવો પડ્યો છે ના, તે મારો તો જીવ બળે છે, મિયાં !”

“અરે, શું બોલો છો દાદી મા ? એમાં કયો મોટો પંથ પડી ગયો ? અને મારૂં ક્યાં એક પણ રોજું પડ્યું છે ? આપણે તો રોજ ભળકડે નીકળીએ છીએ ને દિ ઉગ્યે તો પાછાં પાટણ ભેળાં થઈ જઈએ છીએ. એટલે મારે તો સરગી કરવામાં અને રોજું ખોલવામાં કાંઈ યે નડતર થાતી નથી. બાકી ધરમ પાળવામાં તકલીફ તો પહેલી જ હોય ને ? તમે જુઓને, આટલી અવસ્થાએ : સુંવાળાં માણસ : ઓઝલ પડદો પાળનારાં : તોય બેટાની સાટું બાધા રાખી રોજ પગપાળાં બે ત્રણ ગાઉની ગીર વીંધી શીતળાજીને જુવારવા આવો છો ! આસ્થા કાંઈ રસ્તામાં પડી છે દાદી મા ?”

“આસ્થા તો શું ભાઈ ? એ તો ઓલાદના એવા મોહ કુદરતે કરી મેલ્યા છે ને મિયાં !”

આવી વાતો થાય છે. હેરણ્ય નદી ગાજતી ગાજતી નજીક ને નજીક આવતી જાય છે, શીતળા માતાની દેરીની ધજા દેખાવા લાગી છે. અંદર દીપડા પડ્યા હોય એવી વંકી જગ્યા વીંટળાઈ વળી છે. એમાં એક ઘોડેસવાર આડો ફરીને ઉભો રહ્યો. હાથમાં બંદૂક હતી તે વોળાવીઆ તરફ તાકીને બુઢ્ઢાં બાઈને કહ્યું “પગનાં કડલાં કાઢી નાખો.”

બુઢ્ઢો વોળાવીઓ મિયાં ધસીને વચ્ચે આવ્યો. બંદૂક ખભે ચડાવી. ઝીણી આંખે તાકીને પૂછ્યું “કોણ જહાંગીરો કે ?” “હા, ફરજલ્લા મિયાં ! હું જહાંગીરો. તમે કોરે ખસી જાવ. તમે સૈયદ છો.”

“હું ખસી જાઉં ? હું સૈયદબચ્ચો ખસી જાઉં, ને તું મારા ધણી દેસાઇની માનાં કડલાં ઉપર હાથ નાખ ?”

“મિયાં ? તમે સૈયદ છે. માગો, તો જાવા દઉં.” બહારવટીઓ બોલ્યો.

“ના ના, બચ્ચા ! હું માગવા નથી નીકળ્યો: ઢાલ તલવાર બાંધીને આવ્યો છું. હું ઉદેશંકર દેશાઈનો ચાકર. વાસ્તે જહાંગીરા, માટી થા !” બુઢ્ઢાએ બંદૂક છાતીએ ચડાવી.

બેટા સોતાં માજીએ આડા ફરીને પોતાના નેકીદાર નોકરને કહ્યું “મિયાં ! તમે રેવા દ્યો. આજ ઈદ જેવા મોટા દિવસે મારાં બે કોડીનાં કડલાં સાટુ સૈયદના દીકરા મરે, તો મારે દુનિયામાં જીવવું ભારી થઈ પડે.”

“અરે શું બોલો છો માજી !” મિયાંના મ્હોં ઉપર બોંતેર વરસની નમકહલાલી તરવરી આવી: “બે દોકડાનો જહાંગીરો માજીનાં કડલાં કાઢી જાય તો મેં ત્રીસ વરસનું ખાધેલું નીમક આજ ઈદને દાડે ધૂળ મળી જાય ને ?”

માજીની આંખોમાં જળજળિયાં આવી ગયાં. લૂંટારાની સામે જોઈને માજીએ પોતાના બોખલા મ્હેાંમાંથી મોતીના દાણા જેવાં વેણ પડતાં મૂક્યાં : “જહાંગીરા ! તું યે મુસલમાનનો દીકરો છો. આજને દિવસ મિયાંનું વચન રાખ. નીકર મારાં ધોળાં લાજશે.”

જહાંગીરો પીગળતો લાગ્યો. એટલે ચતુર નાગરાણીએ આગળ ચલાવ્યું: “જો દીકરા, ચાલતો થા ! કડલાં હું તને કાલે દઈ મેલીશ. તું મારા પાટણનો રહીશ. તારે માથે વસમા દિ' આવ્યા છે એ અમે જાણીએ છીએ, બેમાંથી હું કોઈને નહિ મરવા દઉં. જા, હું દેશાઈ કુળમાં પાકી છું. બોલ્યું નહિ ફરૂં.”

જહાંગીરાને પૂરી એાળખાણ પડી ગઈ. બહારવટીયો બહુ ભોંઠો પડ્યો. મુંગો મુંગો ઘોડી વાળીને ચાલ્યો ગયો. આ જહાંગીરો મૂળ તો પાટણનો ખેડુતઃ પછી ભાયાતોમાં જ જમીનનો વાંધો પડ્યો તેમાં બહારવટે નીકળેલો; અને તે પછી તો કેટલાંક ડાહ્યા માણસોએ વચ્ચે પડી રાજ સાથે એનું સમાધાન કરાવેલું. પોતે પાછો પાટણમાં ખેડ કરવા માંડેલો.


એ જહાંગીરાએ એક વાર ખાનદાની ખોઈ બેસીને ગીગલાને લાખ રૂપીઆની ખોટ ખવરાવી હતી. ગીગાનો દિ' વાંકો બેઠેલ, એટલે વણસમજ્યાં એ ય મુરખા જહાંગીરાનો દોર્યો દોરાણો. નાઘેર પંથકમાં ગોરખનાથજીની ગોરખમઢીની જગ્યાને બાર ગામનો ગરાસ : એ ગરાસે મહંતના બે ચેલકાઓ વચ્ચે ઝગડો સળગાવ્યો. એક ચેલકાએ બીજાને ઉકેલી નાખવાનો તાલ રચ્યો. જહાંગીરાને કામ સોંપાણું. જહાંગીરાએ ગીગલાને બારવટાની ઓથે એ કાળું કામ કરી નાખવાનું માથે લીધું. મહંતના અનેક ગામને ભાંગવા જહાંગીરો ગીગલાને તેડી લાવ્યો. વાળુ ટાણે અજોઠામાં મહીયાની હાકલ પડી. પણ સારે ભાગ્યે બજારમાં જ ગીગા એકને બ્રાહ્મણ મળ્યો. બ્રાહ્મણે ગીગાને કહ્યું કે “ફટ છે તને ગીગા ! ધરમનો થાંભલો ગીગો ઉઠીને ભેખ મારવા આવ્યો છો ?”

ગીગો ચમલ્યો, ગરદન ફેરવીને જહાંગીરાને પૂછ્યું, “કાં ભેરૂ ! આ શી રમત છે ?”

ગીગલાની કરડી આંખ જહાંગીરાના કલેજામાં પેસી ગઈ. સાચી વાત આપોઆપ બહાર આવી ગઈ.

“ગોર !” ગીગો બ્રાહ્મણ તરફ વળ્યો; “તમે મારું સતમાતમ રખાવ્યું. તમને રંગ છે, ને જહાંગીરા ! તને ફટકાર છે.”

એટલું કહીને ગીગો બહાર નીકળ્યો. એણે સીમાડે જઈને કાંઈક વિચાર કરી લીધો. પોતાના ભાઇ પુનીયાને કહ્યું કે “નાઘેરમાં આવ્યા છીએ તો ઠાલે હાથે નથી જવું. હાલો બીજ માથે પડીએ.”

નાઘેરમાં સરસ્વતી નદીને કાંઠે બીજ નામનું ગામડું છે. જેવું એનું નામ એવી જ એની રૂડપ. લોકો પહેલા પોરની મીઠી નીંદરમાં પડેલાં તે વખતે લૂંટારા છાનામાના ગામમાં પેસી ગયા. સડેડાટ સરકારી ઉતારા પર પહોંચ્યા. ભેળો જાણભેદુ હતો તેને પૂછ્યું કે “ઓસરીએ ઈ ઉંચા ઢોલીઆ ઉપર કોણ સુતું છે ?”

“પાટણવાળા દેસાઈ ઉદેશંકર.”

“ઉદેશંકર કાકા ? તયીં તો સાવધાન રેવા જેવું. જો જાગી ગયો તો ઈ નાગરબચ્ચો આપણા પાંચને ઠામ રાખશે.”

હળવે પેંતરે ઢોલીએ પહોંચી જઈને ગીગલો એ સુતેલા પડછંદ આદમીની છાતી ઉપર ઉઘાડો જમૈયો લઈ ચડી બેઠો. ઉંઘતો આદમી જાગ્યો. અંધારે તારાનાં તેજમાં છાતી ઉપરનો માણસ ઓળખાય નહિ. પૂછ્યું “કોણ તું ?”

“ઉદેશંકર કાકા ! ન ઓળખ્યો મને ?”

“ગીગલો કે ? હે કમતીઆ ! મારે ને તારે શું વેર હતું કે આમ ચોરટાની જેમ છાતીએ ચડી બેઠો ? હે બાયલા ! પડકારીને ન આવી શક્યો ? મરદનાં પારખાં તો થાત !”

"કાકા, મારે ક્યાં તમારી હારે વેર છે ? તમે તો સોમનાથજીના ગણ છો. પણ તમે એકવચની અને ધરમવાળા કહેવાઓ છો એટલે તમને મારા અંતરની બે વાતું કહેવા આવ્યો છું.”

“તો કહે.”

“ના, આંહી નહિ, ગામ બહાર હાલો.”

“ભલે હાલો.”

અંધારે અંધારે, ઉદયશંકર દેશાઈએ પોતાની ડોકમાંથી હેમનો સાતસરો હાર સેરવીને ઢોલીઆ નીચે પાડી નાખ્યો. પોતે ઉભા થયા. લૂગડાં પહેરવા લાગ્યા. એટલો બોલાસ થાતાં તો આઘેરે ખાટલેથી એક આદમીએ જાગીને પડકારો દીધો કે “કોણ છે ઇ ઉતારામાં ?”

“આદમ મકરાણી !” ઉદયશંકર દેશાઇએ ઉત્તર દીધો ! “કોઈ નથી. સૂઈ જાવ તમે તમારે.”

દેશાઈનો વફાદાર અને શૂરો વિલાયતી આદમ જમાદાર સમજી ગયો. બંદૂક લઈને દોડ્યો. કોઠા માથે ચડી ગયો. ઉપરા ઉપરી બંદૂક નીરવા લાગ્યો. મહીયા જોઈ રહ્યા. વખાણ કરવા લાગ્યા કે “વાહ લોંઠકાઈ ! ખરો માટી !” પણ એક મહીયા જુવાને પાછળથી ચડી, પગ ઝાલી આદમને નીચે ઝીંક્યો. ઝીંકીને દાબી દીધો. દબાએલો આદમ મહીયાઓને મ્હોં ફાટતી ગાળો કાઢવા મંડ્યો.

ગાળો સાંભળીને પૂને મહીયે કહ્યું “એ જમાદાર ! મરદ થા, ગાળ્યું મ કાઢ.”

પણ આદમની જીભ ન અટકી, ત્યારે ગીગાએ કહ્યું કે “પૂના ! એ પોતે તો બહાદરિયો છે, પણ એની છભ જ અવળચંડી છે. માટે એ રાંડ જીભને જરા જામગરી ચાંપજે !”

આદમની જીભને ટેરવે પૂને જામગરીનો ડામ દીધો. આમદ ચૂપ થયો. એટલામાં પૂનાને કંઈક વહેમ આવતાં એણે દેસાઈના પલંગ હેઠળ બરછી ફેરવી. ફેરવતાંની વાર જ અંધારે ચીસ પડી કે “એ બાપા ! મને મારો મા, આ લ્યો આ દેસાઈનો અછેડો.”

પલંગ નીચે છુપાનાર એક માળી હતો. એને પૂનાએ બહાર ખેંચ્યો. એના હાથમાંથી ઉદયશંકર દેશાઈએ સેરવી નાખેલો હેમનો હાર ઝુંટવીને પૂને મહીયે થપ્પડ મારી કહ્યું કે “હે નીમકહરામ ! તારા ધણીના હાર સાટુ જરીક બરછી પણ ન ખમી શક્યો ?”

આખો દાયરો દેસાઈને લઈને ગીર તરફ ગયો. સારી પેઠે આઘા આવ્યા પછી ગીગાએ દેસાઈને કહ્યું કે “કાકા ! મારે પેટની આટલી જ વાત કહેવી હતી : કે મારૂં અકાળે મોત થાશે. પણ મારે દીકરા નથી. એટલે મારી અવગતિ થાશે. મને કોઇનો ભરોસો નથી, કે આગળથી મારી ઉત્તરક્રિયાનો બંદોબસ્ત કરૂં. તમે ધરમવાળા છો તે પાણી મેલો કે મારી વાંસે બ્રામણ જમાડશો. આટલું કરો તો મારા પેટમાં ટાઢક થાય.”

દાંત કાઢીને દેસાઈએ કહ્યું “ગીગા, આટલા સારૂ આવડી ખટપટ કરી ? હાલતે રસ્તે કહેવરાવ્યું હોત તો ય હું કરી નાખત !”

“બસ કાકા, હવે પધારો. કોઈ તમારૂં નામ ન લ્યે.”

“રામ રામ ગીગા !”

દેસાઈ ચાલ્યા ગયા. સવાર પડ્યું ત્યારે ગીગાએ પૂનાને ખંભે લટકતી રૂપીઆ જડેલ પટાવાળી એક નવી તલવાર દીઠી. પૂછ્યું: “પૂના, આ તલવાર ક્યાંથી ?”

“દેસાઇની. ઉતારામાંથી સેરવી લીધી. હાર ને તરવાર બે ચીજ આપણે બીજ ગામમાંથી કમાણા.”

“ઠીક ! ઈ હાર ને ઇ તરવાર મારી પાસે લાવો.”

૧૦

બારવટું ખેડતાં પાંચ વરસ પૂરાં થવા આવ્યાં, અને ગીગાના મોતની સજાઈ પથરાવા માંડી. માણસનાં પાપ માણસને માયલી કોરથી ખાઈ રહ્યાં હોય છે એની ખબર એને નથી હોતી. ગીગાને પણ મરવું તો હતું જ, એટલે માઝા મેલીને ગામડાં ભાંગતો હતો. એમાં એને એક સંધી મળ્યો. સંધી ગીરમાં ઘાસચારાનું એક સારું ઠેકાણું જોઈને પોતાનો માલ ચારવા જાય, પણ એક ચારણનું મવાડું યે ત્યાં આવીને હમેશાં પડે. આમ ઘાસ ચારામાં ભાગ પડે એ સંધીને ગમે નહિ. ચારણોનું કાસળ કાઢવા માટે સંધી ગીગા ભેગો ભળ્યો અને થોડાક ગામતરાં કર્યાં પછી એણે ગીગાને કહ્યું કે “ગીગા મૈયા, હવે એક મારૂં ગામતરૂં તો કરવું જોવે ને ભાઈ ?”

ગીગો કહે “ભલે, હાલો !” ગીગાને ગંધ પણ નહિ કે સંધી કોના ઉપર તેડી જાય છે. આખી ટોળી ગીરના એક નેસડા ઉપર આવી પહોંચી. ગીગાએ માન્યું કે નેસ આયરનો કાં રબારીનો હશે, કાળી રાતે લૂંટ માંડી. અને કાળો કળેળાટ બોલ્યો. પોતે લુંટે છે ત્યાં કાને અવાજ પડ્યા કે “એ આપા ગીગા ! અમારે માથે ! ગાયું ને માથે ? તું ને આંહી કોણ તારો કાળ તેડી લાવ્યો ?”

ગીગાએ મીટ માંડી લોબડીઆળી ચારણ્યો દીઠી. પૂછ્યું,

“તમે કોણ છો ?”

“અમે તારાં કળોયાં, બાપ ! અમે ચારણ્યું.”

ગીગાને ભાન આવ્યું. હાકલ પાડી કે "આપણને છેતરનાર ઓલ્યા સંધીને ઝાલજો ભાઈ.”

પણ સંધી તો ગીગાને પાપમાં ધકેલીને ભાગી નીકળ્યો હતો.

“તુને તારો કાળ તેડી આવ્યો !” એ વચન ગીગાના માથામાં ગાજતું હતું. કાળી રાતને અંધારે પણ પોતાનું કાળું પાપ જાણે એને નજરોનજર તરવરતું દેખાણું. લુંટનો ઢગલો ગીગાએ પાછો મૂકાવ્યો. હાથ જોડીને બોલ્યો “આઈયું ! તમે મને શરાપ્યો. હવે મને માફી આપો.”

“બાપ ! વિસામા !” ચારણ્યો બોલી, “અમે મૂઠ્ય થોડી નાખી છે તે વાળી લઈએ ? અમારી તો આંતરડી બોલી છે. અમે બીજુ કાંઈ નથી જાણતાં.”

“ઠીક આઈયું ! તો પછી આ મારાં હથીઆર તમારે પગે ધરૂં છું. હવે તો તમે તમારે હાથે બંધાવો તો જ બાંધવાં છે.”

“ના ના ના, અમે કોઈનાં હથીઆર ન છોડાવીએ મારા વીર ! મહા પાપમાં પડીએ. લઈ જા તારાં પાછાં.”

એમ કહીને ચારણીએ પોતાને હાથે ગીગાને હથીઆર બંધાવ્યાં અને કહ્યું “ગીગા, આટલું એક નીમ રાખજે. એક મહિના સુધી ગામતરે ચડીશ મા. મહિના પછી તેર ચારણ્ય કુંવારકાને જમાડજે. જોગમાયા તારાં રખવાળાં કરશે.” ગીગો ચાલી નીકળ્યો. એનું હૈયું એને ડંખવા લાગ્યું હતું. બારવટાનાં પાપ એની આંખ સામે ઓળારૂપ ઉભાં થતાં હતાં. મનના સંતાપ શમવવા માટે ગીર છોડીને પોતે કોઈ એક ગામમાં પોતાના એક ફકીર જાતના ગામેતી ભાઈબંધ મોરલીશાને ઘેર આવ્યો. ને ત્યાં જ છુપાઈને રહેવા લાગ્યો.

૧૧

થોડે દિવસે મોરલીશાનાં લગન થતાં હતાં. જાન માંગરોળ ગામે જવાની હતી. મોરલીશાએ ગીગાને કહ્યું “ગીગા મૈયા, તમારે જાનમાં આવવું જોશે.”

"ભાઈ ! મને લઇ જવો રેવા દે ચારણ્યુંએ મને એક મહિના સુધી ગામતરે ન ચડવાનું નીમ દીધું છે.”

“અરે યાર ! એ તો ગામ ભાંગવા જવાનું નીમ. અને આ તો જાનમાં આવવાનું છે. એમાં નીમ આડે ન આવે.”

“પણ ભાઈ ! વખત છે ને હું ઓળખાઈ જઈશ તો બીજું તો કાંઈ નહિ, પણ તારો વીવા વણસી જશે."

“કોઈ નહિ ઓળખે. હાલો. બાકી ગીગો જાનમાં ન હોય તો મારે પરણવા જવું હરામ છે."

ગીગો મિત્રની જાનમાં ચાલ્યો. બારવટીયો વતું તો કરાવે નહિ, અને લૂગડાં પણ લીલી અટલસનાં પહેરે, એટલે લાગે ફકીર જેવો. કોઈ ઓળખે તેમ નહોતું. પણ જાન તરફથી માંગરોળમાં એક દાયરો કરવામાં આવ્યો. ગામનાં કસુંબો લેનારાં તમામ માણસોને દાયરે કસુંબો પીવા આવવાનું નોતરૂં દેવાણું. એમાં શેરગઢ ગામનો દયારામ નામે એક બ્રાહ્મણ પણ બંધાણી હોવાથી જઈ ચડ્યો. મહીયાના મુલકમાં રહેનાર એ બ્રાહ્મણે ગીગા મહીયાનું મ્હોં ઓળખ્યું. બોલી ઉઠ્યો, “ઓહો ગીગા મકા ! તમે આંહી" “ચુપ !” ગીગાએ નાક પર આંગળી મૂકી.

પણ દાયરામાં એ વાત અછતી ન રહી. રાજદરબારમાં ખબર પહોંચી ગયા, અને રાજખાતામાં મસલત ચાલી : “શી રીતે ઝાલવો એને ? જીવતો તો ઝલાશે નહિ. ઉઘાડે ધીંગાણે તો આપણા કૈંક જણ ઉડી જશે. માટે પહેલાં તો એને બેભાન બનાવો.”

આંહીં દાયરો ચાલે છે, ત્યાં તો મોરલીશા જમીનદારના માનમાં રાજ તરફથી દારૂ, માજમ, મફર વગેરે કેફી પદાર્થોની બનાવેલી મીઠાઈઓના ખૂમચા આવવા લાગ્યા. આગ્રહ કરી કરીને સહુને ખવરાવવા લાગ્યા. ગીગો દારૂ નહોતો પીતો, પણ તે દિવસના ગુલતાનમાં એણે હદ બહારનો કેફ કર્યો. બહારવટીયા અને એનાં માણસો કેફમાં બૂડબૂડાં થઈ ગયા. હવે એ લોકો હથીઆર ચલાવી શકે તેમ નથી એવી બાતમી પહોંચતા તો દરબારી ગીસ્ત ભરી બંદૂકે છૂટી.

“ગીગા મહીયા ! દગો ! ગીસ્ત આવી !” એવી બૂમ પડી. ઘેનમાં ચકચૂર બહારવટીયા ચમક્યા. લથડીયાં લેતા ઉઠ્યા. ઉગમણે દરવાજે ભાગ્યા. બ્હીકને લીધે કેફ થોડો કમી થયો. પણ ગીસ્ત એનાં પગલાં દબાવતી દોડી. બરાબર [૧]મકતૂજાનીયા પીરની દરગાહ પાસે બેહોશ થઈને ગીગો ઉભો રહ્યો. બીજા બધા આંબલી પર ચડી ગયા. અને પોતે ગીસ્ત આવી પહોંચે તે પહેલાં પોતાને જ હાથે પેટ તરવાર ખાઈ ઢળી પડ્યો. ગીસ્તનાં માણસો આવી પહોંચ્યાં ત્યારે ગીગો છેલ્લા શ્વાસ લેતો હતો. ઓચીંતું એને કંઈક યાદ આવી ગયું. એણે પડકારીને કહ્યું કે

1. ** સૈયદ મખદૂમે જ્હાનીયાં, સૈયદ સિકંદર જહાંનીયાં વગેરે પીરો માંગરોળમાં પહેલા મુસલમાન સંતો હતા અને શાહ આલમ સાહેબના શિષ્યો હતા. તેમને મળેલું ગામ મક્તમપોર પહેલાં દેવલપુર કહેવાતું. રા' મંડળિક ૫ર મહમૂદ બેગડાને ચડાવી લાવનારા એ લોકો જ હતા એમ કહેવાય છે.

“ભાઈઓ, તમે સિપાહીના દીકરા છો; હું કરજમાં ન મરૂં એટલા સારૂ વિનવું છું કે આ હાર અને આ તલવાર પાટણવાળા દેસાઈ ઉદેશંકર કાકાને પાછાં પોગાડજો ! કહેજો કે તે દિ' રાતે બીજ ગામેથી ગીગલો ચોરી ગએલો.”

પોતાના ગળામાંથી નવસરો હેમનો હાર અને કમ્મરમાંથી રૂપીઆ જડિત પટાવાળી તલવાર ઉતારીને ગીગાએ ધરતી પર ઢગલો કર્યો. [૧]તે પછી તૂર્ત એના શ્વાસ છૂટી ગયા. બીજાઓને પણ ગીસ્તે આંબલી પરથી બંદૂક મારી મારીને પછાડ્યા.

આ દેકારાની અંદર ગીસ્તની પછવાડે જ મોરલીશા ચાલ્યો આવતો હતો. આવીને એ ગીગાની લાશ પર ઉભા રહ્યો. આંખો બીડીને થોડી વાર એણે ધ્યાન ધર્યું. ને પછી એણે ગીગાની જ તરવાર એ લાશ પરથી ઉપાડી.

“હાં ! હાં ! હાં ! બાપુ !” કહીને માણસોએ એના હાથ ઝાલ્યા.

“તમે ખસી જાઓ ભાઈ ! જીદ કરો મા. આજ મારે બાંધ્યે મીંઢોળે જ ગીગાની ભેળા થઈ જવું જોવે.”

હાથ છોડાવી, મોરલીશાએ પેટ તરવાર નાખી. ગીગાની લાશ ઉપર જ પોતે પ્રાણ છોડ્યા. સંવત ૧૯૧૩ની આ વાત.

________________________________________

1. *આ હાર ને તલવાર દેસાઈ ઉદયશંકરને કોઈએ નહોતાં પહોંચાડ્યાં. એટલે દેસાઈએ અરજ હેવાલ કરતાં અજાબ મુકામે પો. એ. કેપ્ટન લેન્ગ મારફત તલવાર પાછી મળી, પણ હાર તો સિપાહીઓએ લુંટમાં વહેંચી ખાધેલો તેથી તેની કિંમતનાં રોકડ નાણાં મળ્યાં. એ નાણાં આ એકવચની નાગરે ગીગા મહીયાની પાછળ ધર્માદામા ખરચી નાખ્યાં હતાં. આ દેસાઈ કુટુંબની જવાંમર્દી આ વૃતાંતોમાં ઠેર ઠેર ઝલકે છે. આગલા પૃષ્ઠ ૩૭ પર આલેખેલાં નાગરાણી તે આ ઉદયશંકરનાં જ માતુશ્રી, અને કાદુની કથામાં “હરભાઈ” નામનું પાત્ર તે આ ઉદયશંકરના જ પુત્ર.

૧ર

આવાં ઘેલૂડાં એ જુગનાં માનવી હતાં ભાઈ ! મોતને ભારી મીઠું કરી જાણતા. મેં તો તમને બે ય જાતનાં મોત વર્ણવી દેખાડ્યાં. બેમાંથી કયું ચડે એ તો તમે સમજો. આ અમારો ઇતિહાસ.

“આટલો બધો ઈતિહાસ તમને કડકડાટ મોઢે ?” મહેમાન જાણે સ્વપ્નામાંથી જાગ્યો.

“અમે તો ભાઈ, અભણ માણસ : અમારા ઘરની વાતો અમે ક્યાં જઈ આળેખીએ ? કયાં જઈ વાંચીએ ? એટલે કાળજાની કોર ઉપર કોતરીને રાખીએ છીએ. છોકરાંઓને અને બાયુંને શીખવીએ છીએ; ને તમ જેવા કોઈ ખાનદાન આવે તો એને અંતર ખોલીને સંભળાવીએ છીએ. બાકી તો આજ આ વાતોને માનવા યે કોણ બેઠું છે ? અને સહુને કાંઈ પેટ થોડું દેવાય છે ? આજે તો ચોય ફરતો દા' બળે છે.”

ઓચીંતાંની ઘેાડીઓએ હાવળ દીધી. ભૂતકાળના ઇતિહાસમાં ભમતો મહીયો જુવાન ઝબકીને પાછો ભાનમાં આવ્યો. ગામનો કોઠો કળાણો. કોઠા ઉપર બેઠું બેઠું અધરાતે એક ઘૂવડ બોલતું હતું. મુવેલાંને સંભારી સંભારીને મા જાણે મરશીયા ગાતી હતી.

Comments

Popular posts from this blog

About mahiya rajput

✍🏻 “કનડાને રીસામણે”✍🏻

જય ગીગાબાપુ મહિયા