ગીરના ખોળામાંથી વિખૂટો પડી ગએલ આ કનડા ડુંગરો : એની દક્ષિણે દાદરેચો અને દાદરેચી નામના બે ડુંગરાની જુગલ જોડી ઉભી છે: એને અગ્નિ ખુણે રાયડો ને રાયડી નામના ડુંગરા બેલડીઓ બેસીને જાણે અહોરાત વિવાહ જ ઉજવ્યા કરે છે. એની છેડાછેડી જાણે કો દિ' છૂટતી જ નથી. આઘે આઘે ઘેડના કાંઠા માથે સૂરજ જ્યારે આથમતો હોય છે, ત્યારે દરિયાનાં પાણી ઉપર છવાતા ઝળેળાટ આંહી કનડે ઉભેલાને ય કોઈ કોઈ વાર નજરે દેખાય છે. [ ૪ ] એવો આ કનડો ડુંગરો: સોરઠની શુરવીર પદ્મણી હોથલ એક દિવસ 'એકલ મલ' બની ને બાપનું વેર વાળવા બાંભણીઆ બાદશા ઉપર આંહીથી ચડી હતી. બાપની મરણ-સજાઇ માથે આપેલા બોલ-કોલ પળાય નહિ ત્યાં સુધી પરણવું નહિ, એવાં વ્રત ધરનારી હોથલે એ બોલ પાળીને આંહી કનડે આવી પુરૂષના વેશ ઉતાર્યા હતા. વાંભ વાંભ જેવડી લટો મોકળી મેલીને જે તળાવડીમાં હોથલ નહાવા પડેલી, તે તળાવડીની મૂળ જગ્યા પણ આ કનડાની ગોદમાં બતાવવામાં આવે છે. જેની પાળે ચડીને એક દિવસ ઓઢાએ હોથલ નિહાળી–
ચડી ચખાસર પાર, ઓઢે હોથલ ન્યારિયાં, વિછાઈ બેઠી વાર, પાણી મથ્થે પદમણી !
એ જ આ શંખાસર તળાવડીની પૂરાયેલી જગ્યાઃ અને એ જ આ ડુંગરો, જ્યાં છેવટે લુંબઝુંબ વનરાઈને આંગણે
રણમેં કીધો માંડવો, બિછાઈ દાડમ ધ્રાખ, ઓઢો હોથલ પરણીજે, સૂરજ ! પૂરજેં સાખ.
દાડમ અને દ્રાક્ષના એ વલ–વળુંભ્યા માંડવામાં ઓઢાના ને હોથલના હથેવાળા મળ્યા, સોરઠની શૂરી સુંદરી ને કચ્છના વંકા મર્દ વચ્ચે છેડાછેડી બંધાણી, અને ઈશ્વરની જમણી આંખ જેવા સૂરજે એ પરણેતરમાં સાક્ષી પૂરી. એ જ શું આ કનડો ! ને એ જ શું આ સૂરજ ! ઓઢા હોથલનાં ભોંયરાં આજ કોઈ વખંભર વનસ્પતિમાં અદીઠ થયાં બોલાય છે. માલધારીઓ માલ ચારતા ચારતા એવી એક વનરાઈ-ઢાંકી જગ્યા પાસેથી નીકળે છે, ત્યારે એ કોતરના ઉંડાણમાંથી પારેવાંના ઘૂઘવાટા સાંભળીને તેઓના કાન ચમકે છે. ત્યાં કાઈક ઉંડું નવાણું હોવું જોઈએ: કાંઈ અકળ અગમ થાનક ત્યાં ગારદ થઈ ગયું હશે : આવી આવી કલ્પના અડાવતા ગોવાળો કનડામાં ભમે છે. કઠીઆરાંનાં જોડલાં કરમઠીઆં વીણતાં વીણતાં માંહોમાંહે વાત કરે છે કે “હોથલ [ ૫ ] તો હજી કનડે જીવતી છે, ઇ મરે નહિ ભાઈ ! ઈ તો દેવભોમની ૫દ્મણી હતી. તે દિવસ કચ્છમાં ઓઢે એનું નામ છતરાયું કર્યું, તેથી
ચિઠીયું લખિયું ચાર, હોથલજે હથડે ઓઢા ! વાંચ નિહાર, અસાંજો નેડો એતરો !
એમ છેલ્લા રામ રામની ચિઠ્ઠી ઓઢા માથે લખીને હોથલ પદમણી પાછી આંહી કનડે આવેલી, પણ પછી તે
ભૂંડું લાગે ભોંયરૂં, ખાવા ધાતી ખાટ ઓઢા વણનું એકલું કનડે કેમ રેવાય !
આંહી કનડામાં એનો જીવ જંપતો નહોતેા. તલખતી, તલખતી, પાણી બહાર મીન તલખે તેમ તલખતી હોથલ આંહીં જ વસી છે. એકલી ને અટૂલી આંહી જ દિવસ વીતાવે છે. આયખાના તો અમરપટા લખ્યા છે એટલે મરાતું નથી. ઝૂરતી હશે કો'ક ભેાંયરાની અંદર.”[૧]
એવી એવી વાતો કરીને આથમતે પહોરે, અંધારાં ઉત્તરવાની વેળાએ, ગોવાળે ને કબાડીઓ કનડેથી નીચા ઉતરે છે: ને, જાણે પોતાના મરેલા બેટા કે બાંધવની ખાંબી ઉપર સીંદૂર ચડાવી રહી હોય તેવી અબોલ, ઉદાસ, અંધકાર રૂપી કાળી કામળી ઓઢેલી કોઈ વિજોગણ મા-બ્હેન સમાણી સંધ્યા પણ કનડે ઉતરી પડે છે.
એવી એક સાંજને ટાણે દક્ષિણ દિશાએથી બે ઘોડેસવાર ડુંગરા ઉપર ચડ્યા આવે છે. ડુંગરાના પેટાળે પેટાળે પડેલી લાંબી કેડીએથી બેય ઘોડાં ઠેઠ ટોચ ઉપર પહોંચે છે. ડુંગરા
જુઓ 'હોથલ'ની સાંગોપાંગ દોહાવાળી સંપૂર્ણ કથા : રસધાર -ધારા ચોથી.
[ ૬ ] ઉપર કેમ જાણે કોઈ માનવી સૂતેલાં હોય, અને કેમ જાણે જરા
જેટલા બોલાસથી પણ એની ઉંઘ ઉડી જાશે, એવી ચુપકીદી રાખીને એક અસ્વારે પલાણ છોડ્યું, અને બીજાની સામે પણ નાકે આંગળી મૂકી અબોલ રહેવાનો ઈસારો કર્યો. પગરખાં છેટે ઉતારીને બેય જુવાનો ડુંગર ઉપરના એ પહોળા ચોકની વચ્ચોવચ્ચ આવી ઉભા રહ્યા.
સાગ, સીસમ, દૂધલો, ધ્રામણ અને ખેરનાં ઝાડવાનાં અધસૂકેલાં ઠુંઠાં એ ચોકને કાંઠે કાંઠે છુટાં છવાયાં ઉભેલાં છે. વચ્ચેાવચ્ચ એક મોટું ને બળી ઝળી ગયા જેવું સાગનું ઝાડવું ઉભું છે. એ ઝાડના થડ ઉપર સીંદૂરનાં બે ત્રિશુળ કાઢેલાં છે. થડ પાસે બે પાવળીયા છે તેના ઉપર પણ સીંદૂરનાં એક્કેક ત્રિશુળ આલેખ્યાં છે. એ બે પાવળીયાની મોખરે, એક, બે, ત્રણ, ચાર, ને પાંચ લાંબી હાર્યોમાં એંસીક જેટલી ખાંભીઓ ખોડલી છે. પહેલી જ હાર્યમાં જમણા હાથ તરફની પહેલી બે ખાંભીઓ ઉપર બબ્બે ગોળ કુંડાળાં કંડારેલાં છે. (બાઈ માણસના બે થાનેલાની નિશાનીઓ લાગે છે.) બાકીની ખાંભીએામાં કશું જ કોતર કામ નથી. જમીનમાં ખોડેલા સાદા પથરા જ છે. માત્ર એને સીંદૂર ચડાવ્યો છે. જાણે કોઈ ધરતીકંપ થાતાં આખો ને આખો એક દાયરો ત્યાં બેઠો બેઠો ધરતીમાં સમાયો હોય એવો દેખાવ લાગે છે.
“ભાઈ ! હું ખાંભી જુવારી લઉં. તમે આ પાણકાના ઢગલા ઉપર બેસો.”
એટલું બોલીને બેમાંથી એક મોટી ઉમરના, ને મોટી મૂછોવાળા અસ્વારે એક ફુટેલા નાળીએરની રખડતી કાચલી ગોતી લીધી. અંદર દીવેલ પૂરીને વાટ્ય પલાળી. અને ખાંભીઓની ડાબી બાજુએ પાણકાઓની બનાવેલી આડશ વચ્ચે એનો દીવો પેટાવી, પાઘડીને છેડે અંતરવાશ (ગળાની આસપાસ) નાખી પાયલાગણ કર્યું. બીજી કાછલીમાં સીંદૂર પલાળીને એ ખાંભીઓ ઉપર લેપ કરવા લાગ્યો. કામ પૂરૂં કરીને જ્યારે એ ઉઠ્યો ત્યારે એની ચળકતી મોટી આંખોમાં બે આંસુડાં હતાં, પાઘડીને છેડે આંસુ [ ૭ ] લુઈ નાખીને એ પોતાના ભેરૂને ડુંગરાની જમણી બાજુએ લઈ ગયો. આંગળી ચીંધીને એક ધાર બતાવી પૂછ્યું, “એાલી ધારનું નામ શું, જાણો છો ?”
“ના.”
“એનું નામ તોપધાર. ત્યાં અમારા સામી તોપ ચડાવીને માંડેલી.”
“તમારા સામી ? કોણે ?”
“જુનાગઢના રાજે."
“ક્યારે ?"
“આજથી છેતાલીસ વરસ ઉપર: સંવત ૧૯૩૯ની પોષ સુદ પાંચમે: તે દિવસ સૂરજ હજુ ઉગ્યા નહોતા: માણસો હજુ જાગ્યાં નહોતાં: પંખીડાં બોલતાં નહોતાં: અને અમારા મહીયાએાની કતલ ચાલી હતી. આ કનડો અમારાં રાતાં ચોળ લોહીની નીકોમાં નાયો'તો. અમારા નવસો મહીયા આંહી કનડે ચડીને એક મહિના સુધી રહેલા, તેમાંથી એંશીની કતલ થઈ ગઈ છે.”
“શા માટે નવસો ચડેલા ? બહારવટે ?”
“ના ભાઈ, બહારવટે નહિ, પણ રીસામણે: વગર હથીઆરે : રાજ આપણો ધણી છે ને આપણને મનામણાં કરશે એવી આશાએ : પણ મનામણાંને સાટે તો કુવાડા ચાલ્યા. અમારા એંશી જણ ચુપચાપ બેઠા બેઠા રામનું નામ લેતા કપાઈ ગયા.”
“વાહ વાહ ! શાબાસ મહીયા ! ઉંચામાં ઉંચી રાજપૂતી એનું નામ. ત્યારે તો હવે મને એ આખી વાત કહો ભાઈ !”
એક ઢોરા ઉપર બેય જણાએ બેઠક લીધી અને પછી એ મહીયા કોમના મોટી આંખોવાળા, આધેડ ઉમ્મરના માણસે
વાત આદરી. [ ૮ ]
અમે મૂળ તો મારવાડના મેણા (મીણા) રજપૂત. પછી અમે જે આણી મેર ઉતર્યા તે મહીયા કહેવાણા. આજથી ત્રણસો સાડા ત્રણસો વરસ ઉપર અમારા વડવા ભામા મહીયાએ મારવાડ ઉપરથી ઉતરતાં ઉતરતાં સોહામણી સોરઠ ભેામનાં સોણલાં દીઠાં. વાતો સાંભળી કે કાંઈ લોભામણો હાલાર દેશ છે !
નીલા તડ મચ્છુ તણાં, નીલી વાંકાનેર, એકરંગીલાં આદમી, પાણી વળેજો ફેર.
[મચ્છુ નદીના લીલા તટ : લીલૂડી વાંકાનેરની ધરતી: અને એક રંગીલાં એ પ્રદેશનાં માનવી : એવો હાલાર દેશ છે. એ પ્રતાપ એના પાણીનો છે. ]
મચ્છુ કાંઠો અને મોરબી, વચમા વાંકાનેર, નર પટાધર નીપજે, પાણીહંદો ફેર.
એવાં એકરંગીલાં માનવીને પેદા કરનારા પાણીવળાની દિશાએ અમારા વડવા ભીમા મહીયાએ ઉચાળા ઉતાર્યાં. મચ્છુ અને પતાળીઆ બે નદીનો જ્યાં સંગમ થાય છે તેને કાંઠે વાંકાનેર નામનું એક ગામડું વસાવ્યું.
એક દિવસ ભીમા મહીયાની દોઢીએ આવીને એક બાઈ ઉભી રહી. હાથમાં બાળ તેડ્યું છે. આંખે આંસુ ઝરે છે. ભેળું રક્ષા કરનારૂં કોઈ નથી. ભીમે મહીયે પૂછ્યું “બેન ! કોણ છે તું ? શીદ આવવું થયું ? તને આંહી રામરક્ષા છે. તારા દુ:ખની વાત દિલ મોકળું મેલીને કહે બા !”
“ભાઈ ! મારા ધર્મના વીર ! હું પડખેના જાડેજા રાજની રાણી છું. પાટ ઠકરાણી છું, પણ અણમાનેતી છું. અમને બેય શોક્યુંને દેવે દીકરા દીધા, પણ મારૂં ફુલ બે ઘડી વહેલું અવતર્યું તેથી મારો બાળક ટીલાત ઠર્યો ખરો કે ની, એટલે અપર-મા [ ૯ ] એને મારવા ફરે છે. મને કોઈ સંઘરે તેમ નથી. આજ મચ્છુને કાંઠે તમ જેવા રજપૂતનું બેસણું સાંભળીને તમારો ઓથ લેવા આવી છું.”
“વાહ વાહ ! મારાં વડાં ભાગ્ય મારી બેન ! તું ભલે આવી. તારો જાડેજો રાજા કદિક બળીયો હશે, તો અમે ય કેદિ' પારોઠનાં પગલાં દીધાં નથી. અમે ય રજપૂત છીએ. તું તારે આંહી સગી માનું પેટ સમજીને રે'જે.”
આંહી રાણીને આશરો અપાયાની વાત ફુટી, ને ત્યાં પડખેના રાજમાંથી જાડેજો રાજા વાંકાનેર ભાંગવા માટે કટક લઈને ઉતર્યો. અમારા ગામને ફરતી ફોજ વીંટીને પડ્યો. કેમકે ગઢ તો જીતાંય તેવું નહોતું.
રાતમાં ચાર આઠ મહીયા જુવાનોએ ભીમાની રજા લીધી. પૂછ્યું કે “ફોગટની શીદ લડાઈ માંડવી ? મૂળ ધણીને જ ઢોલીઆ સોતો ઉપાડી આણીએ તો કેમ ?”
“તો તો રંગ રહી જાય, બેટાઓ !”
ચોકીઓ ભેદીને ચાર મહીયાઓ રાજાના ડેરામાં ઉતર્યા. પાઢેલા રાજાને પલંગ સોતો ઉપાડી, દાંતોમાં ઉઘાડી તરવારે પકડી, મચ્છુનાં ઉંડાં પાણી વટાવીને ઢોલીઓ દોઢીમાં હાજર કર્યો. રાજા તો હજી ભરનીંદરમાં જ છે.
પ્રભાતે ભીમા મહીયાએ કસુંબો કાઢીને તૈયાર કર્યો. દાતણ ને ઝારી હાજર રાખ્યાં મહેમાન જાગે તેની વાટ જોતા બેઠા. મહેમાને આંખો ઉઘાડી ત્યાં એ વરતી ગયો કે કાળના હાથમાં પડ્યો છું.
“જાડેજારાજ ! આ દાતણ કરીને મ્હોં પખાળો. કસુંબો ખોટી થાય છે.”
એટલું કહીને ભીમા મહીયાએ અતિથિને દાતણ કરાવ્યું. કસુંબો પાતી વેળા ફોડ પડાવ્યો કે “રાજ ! તમારાં ઠકરાણાં તો મારી ધરમની બેન છે, ક્યાંયે બચવાની બારી ન રહી ત્યારે મારા [ ૧૦ ] ઉચાળામાં એ રીસામણે આવી છે. હવે જો તમારે લડવું હોય, તે અમે કટકા થઈ જવા તૈયાર છીએ. બાકી અમારાં બેનને પાછાં તમારા રાણીવાસમાં તો નહિ જ મોકલીએ. અમારો ભાણેજ આંહી જ રે'શે. અમે એને વાંકાનેર ગામ દઈએ છીએ. બોલો ! તમે એને શું દ્યો છે રાજ ?”
રાજાએ પણ અણમાનેતીના દીકરાને પોતાની જમીન કાઢી દીધી. બેનને દીધેલું વાંકાનેર છોડીને મહીયા ચાલી નીકળ્યા. ત્યારથી વાંકાનેરનો રાજા મહીયાને મેસાળ કરી માનતો થયો. ભાઈ ! આ કનડાની કતલ થઈ ને, તે પહેલાં જૂનાગઢ રાજ સાથે મહીયાની તકરાર ચાલતી'તી ત્યારે વાંકાનેર-રાજે અમને કહેવરાવેલું કે શીદ તકરારમાં ઉતરો છો : જુનાગઢ જાકારો ભણે તો આંહી આવતા રહો. ત્રણ ગામ કાઢી આપું. મારાં તો તમે મોસાળ છો.”
પછી તો અમે રાજકોટના કુવાડવા મહાલમાં જઈ વસ્યા. રાજકોટની ચાકરી કરી. થાનના ગોરખા ભગતે અમારા વડવા ભાણ મહીયાને સોણે આવી થાન પરગણું હાથ કરવાના સંદેશો દીધો. અમે નાજા કરપડા નામના કાઠી પાસેથી થાન જીત્યું.
Comments