જય ગીગાબાપુ મહિયા

ગીગો મહિયો   
          - સોરઠની ધરતીનો સિંહ

સોરઠી બહારવટિયા
             - ઝવેરચંદ મેઘાણી

આ ઐતિહાસીક વાત સોરઠના ખમીરવંતા ઈતિહાસમાં છુપાયેલી પડી છે, જેને આજે જોઈએ.

દયા દાન ને દાતારી ,
માન મર્યાદા  ને મૉટપ ,
આ બધા લક્ષણો કુળ માં ઊતરી આવે
સાહેબ ,
ઇ ચોપડા થોડા છે કે વાંચવામાં આવે ?

વિર શહીદો અને શુરવીરો ની શું તાકાત, ત્યાગ અને  બલીદાન હતા ? એ આપણે જોઈએ

સૌરાષ્ટ્રના ઇતિહાસની મહત્વની આવી ઘટના મિત્રો મેં અને તમે આ પ્રસંગને વાંચ્યો હશે,
લોકસાહિત્યકારોના મુખેથી સાંભળેલ પણ હશે
પણ હ્રદયનો એક ઉમળકો એક ભાવ એને વશ થઇ અહીં રજૂ કરું કરવા માગું છું !

આ વાત છે સોરઠના સિંહ એવા , મહિયા રાજપુત ,  ગીગા મહિયા ની  કે જેની એક વીર હાંકથી સોરઠની પ્રજા ફફડે ,  જેનું નામ પડતા ઘોડિયામાં સૂતા બાળકો શાંત થઇ જતા , જેનું નામ પડતા ગામના ઝાંપા દેવાય જતા , અને જેના નામથી મકરાણીઓના સુવાસ નિકળી જતા.

પટેલીયા પરગણા તણા , જુનાણે રાવું જાય , ડણકે ડુંગરમાંય , ગાળે સાવજ ગીગડો .

( પરગણાના પટેલો ગીગાના ત્રાસ સામે દાદ કરવા જૂનાગઢ જાય છે.અને ગીરનો સિંહ ગીગો તો ડુંગરા માં ગજૅના કયૉ જ કરે છે. )

ઉનેથી જુના લગે નારી ન ભરે નીર,
નત્યની રીડોરીડ, ગરનો સાવઝ ગીગડો.

( ઉના ગામથી માંડીને જુનાગઢ સુધી સ્ત્રીઓ પાણી નથી ભરી શકતી, રોજેરોજ બૂમો પડે છે. એવી હાક ગિરના સિંહ. )

કેસર જ્યું લેવા કરછ, લાંબી સાંધછ લા,
માંડછ પગ મૈયા, ગઢે ને કોટે ગીગડા !

( હે ગીગા ! તું કેસરીની માફક લાંબી ડણક દે છે, અને ગઢે ને કાટે: તારા થાપા મારે છે. )

બાબીથી બીનો નહિ, ખત્રીવટ ખાગે
ભૂપ મોટા ભાગે, ગરનો સાવઝ ગીગડો.

( ગિરનો સિંહ એ ગીગેા જુનાગઢના બાબી રાજાથી ન બીતો અને એણે તલવારથી ક્ષત્રીવટ ખેલી. મોટા રાજા પણ એનાથી ભાગતા હતા. )

મહિયા રાજપુતની ખુમારી અને ખાનદાની

સોરઠ પંથકના કેશોદ તાલુકાના કણેરી ગામના મહિયા રાજપૂત એવા ગીગા મુળુ મકા બહારવટે ચડેલ ને જેણે સોરઠની ધરતીને ધ્રુજાવી દીધી હતી. જેણે નીતિ-ધર્મથી જ બહારવટું કરેલુ. સંવત 1909 એટલેકે ઈ.સ.1853 માં બહારવટે નિકળેલ અને સંવત 1913 એટલે કે 1857 સુધી એમ પાંચ વરસ સુધી બહારવટુ કરેલ. જૂનાગઢ રાજ્યના પ્રજાજનો કારડિયા, કણબી પટેલ, રબારીઓ તેને પ્રેમથી રોટલા પૂરા પાડતા હતા એમાં કોઈ બળજબરી કે ધાકધમકી નહોતા. એ ગીગાના મુઠી જેવડા હૃદયમાં એક દીકરી માટે કેવી બધી ભાવના અને ત્યાગ સમાયેલો હતો તેની આજ વાત કરવી છે, જે સાંભળતા લાગે કે બાપ-દીકરીથી કોઈનો પ્રેમ વધુ હોતો જ નહિ હોય ?

ગીગાને રાણી નામની અતિ વહાલસોયી એક દીકરી હતી જે દીકરીને તેની મા બે વર્ષની મૂકીને સ્વર્ગની વાટે ચાલી નીકળી હતી, ત્યારે ગીગાના તમામ સગાવ્હાલાઓ તમામ શબ્દો અને સંબંધો અને ઈશ્ર્વરીય માયા સમજાવીને કહે છે કે તું બીજા લગ્ન કરી લે. એમાં કંઈ ખોટું નથી ને રાણીને પણ કશો જ વાંધો સાવકીમાં નહિ આવવા દે. અમે તે માટે બેઠા છીએ પણ ગીગો એકનો બે થતો નથી.

હવે ગીગો પોતાની તમામ શક્તિ અને પ્રેમને આ બાળકી ઉપર જ કેન્દ્રિત કરીને તેને માની હૂંફની ખોટ ન આવી પડે એ રીતે ઉછેરી રહ્યો હતો, આ દૃશ્ય જોનારને તો એમ જ લાગતું કે ઓ હો એક કાળઝાળ બહારવટિયો દીકરી માટે જ ફૂલથી પણ સાવ કોમળ બની ગયો છે અને જંગલમાં પણ એ દીકરીને ભેગી ફેરવે છે,પણ એ બિચારી શું સમજે કે મારો બાપ કેવો ખૂંખાર બહારવટિયો છે અને તે જૂનાગઢની પોલીસને આંખમાં ધૂળ નાંખીને સંતાકૂકડી રમી રહ્યો છે.તે રાણી બાર વર્ષની થઇ ગઈ એ સમયે ગીગો બહારવટે છે પણ બહારવટામાં આ યુવાન પુત્રીને ફેરવવી એ અઘરું તો છે પણ છતાં એ દુ:ખ પણ એ દીકરી માટે ભોગવી રહ્યો છે ને દીકરીને પુરુષના કપડાં પહેરાવતો અને તેને યુવાન જેવી જ તાલીમ આપતો કે તે પણ ઝાંસીની રાણી જેવી જ બનીને જીવી શકે એવી તેના બાપની મહેચ્છા છે, પણ એક દિવસ મેંદરડાના કનડાના ડુંગર પર કાળી રાતે એક કાળોતરાએ એવો ડંખ માર્યો કે રાણીએ ત્યાં જ ચીસ પાડીને પ્રાણ છોડી દીધા.ત્યારે બહારવટિયા જેવો બહારવટિયો ભાંગીને ભૂકો થઇ ગયો અને છ મહિના સુધી તો સાવ ઘેસ જેવો થઇ સૂનમૂન ફરતો રહ્યો,નથી એના શરીરમાં કોઈ ચેતન કે જોમ બસ હવે તેનું દુનિયામાં કોઈ રહ્યું જ નહિ. એમ જ માની બેઠો છે અને દીવાનાની જેમ સમય પસાર કરે છે.

જ્યાં જ્યાં કોઇપણ ૧૨-૧૫ વર્ષની દીકરી જોવે ત્યાં તેને પોતાની રાણીનાં સ્મરણો તાજા થાય ને આંખમાં ઝળઝળિયાં આવી જાય ને કોઇપણ દીકરીને જોતા જ તેની પર વ્હાલ વરસાવે ને પોતાની પાસે રહેલી મતામાંથી મુઠો ભરી આપી દે ને મનોમન એમ માને કે આવી જ પ્રાણથી પ્યારી મારી વ્હાલી રાણી હતીને.

પણ ગીગાનું દુ:ખ ઓછું તોય થતું નથી એવા સમયે ગીગાની ધર્મની માનેલી એવી રૂડી નામની રબારણ બેન પાસે આવે છે ને સમજાવે છે કે ભાઈ તમે આમ શેના ખુદને દૂભવો છો. ઈશ્ર્વરના દરબારમાં કોઈનું કશું જ ચાલતું નથીને મોતને કોઈ હજુ સુધી જીતી જ શક્યું નથી તો શેનો આવો કાળો વિયોગ હજુ ભોગવો છો. ભાઈ-બહેનના આ સંવાદ પછી તો વળી પાછા બંને ભાવ સમંદરમાં ડૂબી ગયા ને બંને રડી પડ્યા કે શું ઈશ્ર્વરે મારી પત્ની અને પુત્રી બંનેને છીનવી લીધા,વળી પાછી બહેન ગીગાને ઈશ્ર્વરીય માયા-સંકેત અને મોતને પોતાની દેશી ગામઠી ભાષામાં સમજાવે કે વીરા આમ ન હોય પણ છતાં તરત તો ગીગો દુ:ખમાંથી જરાય બહાર આવી શકતો નથી પણ છ મહિને એ શોક માંથી બહાર આવ્યો,આ માટે ધર્મની બહેન એવી રૂડીએ ગીગા સાથે રહીને ગીગાનું બહારવટું જોયું ને પછી જ સાસરે ગઈ.

એક દિવસ ગીગો ઢેલાણા આવ્યો તો ગામમાં હાકાબાકા બોલી ગયા ને બજારો મંડી ટપોટપ બંધ થવા. આ સમયે યુવાનોએ હોળીના રાસડાઓ જમાવ્યા હતા ત્યાં આવી ગીગો કહે અરે કોઈ બીતા નહિ આજ હું લૂંટવા નહિ રાસડા જોવા આવ્યો છું ને ગીગાએ એકતાલ,બેતાલ અને ત્રિતાલ અને ફેરફુદરડીઓ જોઈ પછી કહે હવે બેનોને કહો રાસડા લે એ જોવા છે. ગામના કહે એ નહિ બને. અમારી દીકરીઓ શરમાયને. ગીગો કહે અરે હોય એ તો મારું અપમાન કહેવાય જો રાસડા ન લે તો.તમે મને શું સમજી શકો. હું જે સ્ત્રીને પરણ્યો હતો એના મોત પછી બીજી બધી સ્ત્રીઓને મેં બેન ગણી છે.

ગીગો હઠે ભરાણો છે કે રાસડા તો જોવા જ છે. ઢેલાણાની યુવતીઓ સંતાઈ ગઈ હતી પણ આખરે ૧૨- ૧૪ વરસની દીકરીઓએ રાસડો ઉપાડ્યો,રાસડો પૂરો જામ્યો હતો એવામાં ગીગાની આંખ બાર વર્ષની એક દીકરી પર ઠરી ગઈ અને ઊભો થયો ને તેનો હાથ પકડીને કહે બહેન તારું નામ શું છે? દીકરી કહે મારું નામ રાણી.

રાણી નામ સાંભળતા જ ગીગાથી અરે અરે આ તો રાણી કહી ચીસ પડાઈ ગઈ ને ગીગાએ કહ્યું બેટા તારે મારી ભેગા આવવાનું છે હો ? રાણી તો ત્યાં મંડી મોટે મોટેથી રડવા ને ગામ આખામાં ખબર પડી ગઈ કે ગીગો રાણીને ઉપાડી જવાનો છે. દીકરીના માબાપ કાનાભાઈ વાળા અને અમરબાઇ ચોકમાં આવી ગયા કે ગીગાભાઈ બધું લઇ જા. અમને પણ મારી નાંખ પણ ફૂલ જેવી આ દીકરીને છોડી દે,પણ ગીગો એ કશું જ સાંભળતો નથી ને આખરે બોલ્યો કે હું રાણીને પંદર દિવસ જ લઇ જઈશ. બાકી ગમે તે કરશો તો પણ રાણીને લીધા વિના નહિ જ રહું.

ગીગો રાણીને કનડાના ડુંગરે લઇ ગયો. રાણીની આંખો રડી રડીને સોજીને દડા જેવી થઇ ગઈ છે ત્યારે ગીગો રાણીને માથે હાથ ફેરવીને કહે છે અરે બેટા હું તારો બાપ છું મારે તને સોને મઢાવવી છે,આટલું કહેતા તો ગીગો પણ બાળકની જેમ રડી પડ્યો: બેટા તું જ મારી રાણી છો ને જીવતી થઇ પાછી આવી છો ને ? તો તારા બાપને રડાવાય કે ઓવારણાં લઇ રાજી કરાય.

આખરે રાણી પર પિતૃપ્રેમની અસર થઇને રાણીએ ગીગાને બાપ તરીકે જોયો. ગીગાએ પોતાના વચન મુજબ રાણીને પંદર દિવસ રાખી ને ઘોડા ઉપર રાણીને ઢેલાણા કાનાભાઈ વાળાને ત્યાં મૂકી ગયો ને સાથે સાથે અઢળક રૂપિયા દેતો ગયો ને રડતા રડતા દીકરીને જોતા જોતા કહેતો ગયો કે આ રૂપિયા રાણીને કરિયાવરમાં વાપરજો ને લગ્ન ટાણે વાવડ દેજો તો હું સાત પાતાળ ચીરીને પણ હું આવી જઈશ.

ગામ આખું ભેગું થઇ ગયુ કે ગીગો રાણીને મૂકવા આવ્યો છે,ગામના હવે શરમાણા કે આપણને હતું કે ગીગો રાણીને ઘરમાં બેસાડશે? પણ રાણીએ માંડીને બધી લાંબી વાત કહી કે એ તો મને બહુ સારી રીતે રાખતા ને હાલતાચાલતા વાતવાતમાં રડી પડતા ને દીકરી દીકરી જ કરતા હતા.

બધા વધુ શરમાયા કે આપણે તો કેવા નફ્ફટ ને અધૂરા વિચારવાળા છીએ કે કેવું કેવું વિચારી લઈએ છીએ. આખરે એક દિવસ રાણીના લગ્ન લેવાણા ને ગીગાને વાવડ મોકલતા ગીગો અચાનક લગ્નના મંડપમાં આવી ચડ્યો ત્યાં તો ભાગદોડ મચી ગઈ તો કાનાભાઈ વાળા અને અમરબાઇ ઉઠ્યા કે કે અરે ભાગો માં આ ગીગો બહારવટિયા તરીકે નહિ રાણીના બાપ તરીકે તેને ફેરા ફેરવવા આવ્યા છે.

જયારે બહારવટિયાએ રાણીને ફેરો ફેરવ્યો ત્યારે તો સૌ કોઈની આંખમાં ઝળઝળિયાં આવી ગયા કે વાહ વાહ ખાનદાની મહિયા રાજપૂતની અને કાઠિયાવાડની .

ગીગા મહિયાને મકતુપુર (માંગરોળ) ગામે તેમના મિત્ર મોરલીશા ફકીર ના લગ્ન ના કસુંબી ડાયરામાં  દગો થયો  , ત્યારે બહેનોએ એનો રાસડો જોડ્યો તો કે

કસુંબાના પ્યાલા વીરા, કસુંબાના પ્યાલા,બાંધવે કસુંબા ઘાલ્યા રે,માયાળુ વીર

ખુટામણ ની ઢારી ખુરશી , પાછળ થી  લીધા નીશાન ,
ચેતવ્યૉ હોત આ સાવજ ને તો ,  સામો  મારત સાવજ ગીગડો.

આખરે ગીગો ફોજની હાથે પકડાવા કરતા હાથે જ તલવાર ખાઈ મર્યો ને તેની પાસે રહેલી તલવારને હાર દેતો ગયો કે આ તલવાર પ્રભાસપાટણવાળા ઉદયશંકર કાકાને પહોંચાડજો કે આ તલવાર હું બીજ ગામેથી લઇ ગયેલો તે પાછી મોકલું છું, આ તલવાર આજે પણ જૂનાગઢ ખાતે શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈને ઘેર છે. જેની જાનમાં આવતા આવું બન્યું તે મોરલીશા ફકીર પણ અફસોસ કરી મીંઢોળબંધો ગીગાની લાશ પર જ તલવાર ખાઈ મર્યો. આ વાત સંવત 1913 ની. આવી એ યુગની રખાવટ, ખાનદાની , પવિત્રતા ,  ખુમારી અને શરમ હતી.

ડુંગરે ડુંગરે સાવજો ડણકતા, થડકતા પડઘમે ગીર પહાડો.
અશ્વોને ડાબલે ફફડતા દુશ્મનો, ઉછળતા શિખરથી જળપ્રવાહો.
અઢારેય ભારની ઓઢણી ઓઢી, પ્રભુને વસુધા હોય પરણી.
કરું હું વંદન કાઠીયાવાડને, અમારી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી !

આજે પણ કણેરી ગામ ના પાદર મા ગીગા મહિયા નો પાળિયો અડિખમ ઉભો છે. અને તેનાથી પચાસ ગજ દુર ગીગા મહિયા નુ મંદિર આવેલુ છે.

ઇતિહાસ કદી મરતો નથી,
પથ્થર એના પુરાવા છે.
ગામને પાદર પાલીયા,
પથ્થર એના પુંજાય છે.
ધર્મ રક્શે ગૌધણ વ્હારે,
કઇક કેસરીયા થાય છે.
ગામને ગોંદરે પર સીમે,
ઇતિહાસ એ કોતરાય છે.
એ  વીરના શોણિતની ગાથા,
પથ્થર પણ કહી જાય છે.
સોરઠ ભુમીમા એ સાવજના,
રાસડા ચોરે ચોકે ગવાય છે.

અમે અમથા નથી ખોડાણા,
ખાંડા તણા ખેલ ખેલાણા

ધર્મ ધીંગાણે માથા મુકાણા,
એટલે અમે સિંદુરે રંગાણા.......

તમે કયારેક બસ માં ટ્રેન મા કે કાર માં ગામડે થી પસાર થતા હોવ  અને ગામ ના પાદર માં આવા પાળિયા જુઓ તો દૂર થી પણ એક વાર એને નમસ્કાર કરજો કારણ એ અમસ્તા ત્યાં નથી ખોડવા મા આવ્યા એની પાછળ ભવ્ય ભૂતકાળ છે. વતન માટે, પોતાના ગામ ની ગાયો માટે  અને આ ઘાસ ખાય એ જ ગાયો નહીં ગામની બેન દીકરી (ગવતરી) ની ઇજ્જત માટે  અને સ્વાભિમાન ની રક્ષા માટે શહિદ થયેલા એ યુવાનો ના પ્રતિક રૂપી પાળિયા છે… આવા પાળિયા.......

આજ પૂછુ તને પાળિયા રે…
તારા દલડા કેરી વાત રે…
પાદર માં કેમ ખોડાણાં….?
સિંદૂરે કેમ રંગાણા…?

વાર ચઢી જે દિ ગામ’મા રે..
અને બુંબીયા વાગ્યા ઢોલ રે..જે દિ બુબીંયા વાગ્યા ઢોલ…
ખાંડા ના ખેલ ખેલાણા…
તેથી અમે આઈ ખોડાણાં…

કે સિંદૂરે કેમ રંગાયા…?

યુવાન નો પાળિયો બોલે છે..
હે કવિ..જ્યારે મે રણમેદાન તરફ ડગ દિધા ત્યારે નવી પરણીને આવેલી રજપૂતાણી એ મારા ભાલે કુમકુમ તિલક કર્યું અને કીધુ

”મારજો કે મરજો પિયુ ન દેજો પિઠ લગાર..
નહીંતર સહેલી મેણા મારશે તું તો કાયર નર ની નારી
એ કોડ ભરેલી જેની હાથ ની મહેંદી પણ હજી સુકાણી નહોતી એના સેંથા નૂ જે સિંદૂર ભૂંસાયૂ ને એનો આ રંગ છે..
હવે ઝાઝું મને પૂંછમા રે… કવિ કરવા દે વિશ્રામ રે….કરવા દે વિશ્રામ..
સેંથી ના સિંદૂર ભૂંસાયા… તેથી અમે આઈ રંગાણા….

શિખરો જ્યાં સર કરો ,
ત્યાં કીર્તિ સ્તંભ ખોડી શકો .
પણ ગામને પાદર એક પાળિયો ,
એમને એમ ના ખોડી શકો .
ડરાવી ધમકાવી ઈન્સાનના ,
બે હાથને જોડવી શકો .
પણ ઓલા કેસરીના પંજાને ,
તમે એમ ના જોડવી શકો
કહે  દાદ  આભમાંથી  ખરે  ,
એને  છીપમાં  જીલી  શકો
પણ  ઓલ્યું  આંખમાંથી ખરે ,
એને એમ ના જીલી શકો .

ઉચો  ડુંગર કનડૉ .....  જ્યા  સિંહ હાકલા  કરે ...... ઈ  કનડા  ની  ધરતી ના  સાવજ  આવા  જ  હોય વાલા .... 

જય મહાશકિત નાગબાઈ માં .. 
જય કનડાધણી....

જય ગીગાબાપુ મહિયા
જય કલાજી મહિયા
જય વિર વસ્તાબાપુ મહિયા

Comments

Popular posts from this blog

About mahiya rajput

✍🏻 “કનડાને રીસામણે”✍🏻

ભાણબાપુની પ્રતિજ્ઞા પુરી કરવા માટે નાગબાઇ માઁ એ સુરજ નારાયણ ને તણ ઘડી રોકીદીધા હતા.. તેના લીધે તે ગામનું નામ તરઘડીયા પડ્યું હતું.. અને ભાણબાપુને સુરજ નું બીરુદ આપવામાં આવ્યું હતું *જય સુરજ ભાણ* *જય નાગબાઇ માઁ*