કનડાને રીસામણે : ગીરના ખોળામાંથી વિખૂટો પડી ગએલ આ કનડા ડુંગરો : એની દક્ષિણે દાદરેચો અને દાદરેચી નામના બે ડુંગરાની જુગલ જોડી ઉભી છે: એને અગ્નિ ખુણે રાયડો ને રાયડી નામના ડુંગરા બેલડીઓ બેસીને જાણે અહોરાત વિવાહ જ ઉજવ્યા કરે છે. એની છેડાછેડી જાણે કો દિ' છૂટતી જ નથી. આઘે આઘે ઘેડના કાંઠા માથે સૂરજ જ્યારે આથમતો હોય છે, ત્યારે દરિયાનાં પાણી ઉપર છવાતા ઝળેળાટ આંહી કનડે ઉભેલાને ય કોઈ કોઈ વાર નજરે દેખાય છે. [ ૪ ] એવો આ કનડો ડુંગરો: સોરઠની શુરવીર પદ્મણી હોથલ એક દિવસ 'એકલ મલ' બની ને બાપનું વેર વાળવા બાંભણીઆ બાદશા ઉપર આંહીથી ચડી હતી. બાપની મરણ-સજાઇ માથે આપેલા બોલ-કોલ પળાય નહિ ત્યાં સુધી પરણવું નહિ, એવાં વ્રત ધરનારી હોથલે એ બોલ પાળીને આંહી કનડે આવી પુરૂષના વેશ ઉતાર્યા હતા. વાંભ વાંભ જેવડી લટો મોકળી મેલીને જે તળાવડીમાં હોથલ નહાવા પડેલી, તે તળાવડીની મૂળ જગ્યા પણ આ કનડાની ગોદમાં બતાવવામાં આવે છે. જેની પાળે ચડીને એક દિવસ ઓઢાએ હોથલ નિહાળી– ચડી ચખાસર પાર, ઓઢે હોથલ ન્યારિયાં, વિછાઈ બેઠી વાર, પાણી મથ્થે પદમણી ! એ જ આ શંખાસર તળાવડીની પૂરાયેલી જગ્યાઃ અને એ જ આ ડુંગરો, જ્યાં છેવટે લુંબઝુંબ ...