વીર વછરાજની અદ્ભૂત વાત

વીર વછરાજની અદ્ભૂત વાત
જુંગીવારા વાછરા રાણા,ગાઉં તારા હેતથી ગાણા
             દૂહો:- બેહ ગામે બેસણાં ધન્ય જુંગીવારા ધામ
                  હૈયાની પુરે હામ વિશ્વાસુની વાછરો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા તાલુકામાં વર્ષો પહેલા "ખીરા સંઘળીયા" નામના ચારણે ખીરલપર ગામ વસાવ્યું, સમય જતાં "લખમણ સોહલીયા" નામના ચારણે આ ખીરલપરનો જાપો બીજીવાર બદલી ઉગમણી દિશાએ બાંધ્યો એટલે ખીરલપરનું નામ ચારણી ભાષામાં "બેહ" પડ્યુ. આ બેહ ગામમાં આજે જુંગીવારા વિર વછરાજ સોલંકીનું વિશાળ મંદિર શોભી રહ્યું છે..ઈ વિર વછરાજ સોલંકી "જુંગીવારા" શું કામ કહેવાણા અને અહીં ક્યારે આવ્યા એની વાત કરવી છે, કાયાભાઈ હરગાણીનાં કલમે લખાયેલ "તુંબેલવાણી"નામનાં પુસ્તક પ્રમાણે વાત કરીએ તો આ બેહ ગામમાં  વર્ષો પહેલા અહીં આંબા આંબલી અને તાડીઓનું મોટું જંગલ હતું આ જંગલને અહીં વસતા ચારણો  "જુંગી" કહેતા અને આ જુંગીમાં એક માનવભક્ષી અસુરનો ત્રાંસ હતો એક તો ઘનધોર જંગલ અને એમાંય ભયંકર અસુરનો ત્રાંસ આવતા જતા રાહદારીઓને આ અસુરનો ભય સતાવતો એમાં બન્યું એવું કે બારેક વરસની "કરમય"નામની ચારણની દીકરી પાંચોટીયા વારા વિર વછરાજની પરમ ઉપાસક ઈ જોગમાયા જેવી દીકરી કરમય પોતાના પિતાને બપોરના સમયે ભાત દેવા આ જુંગીમાંથી પસાર થાય છે એવે ટાણે અસુરની નજર આ ચારણ કન્યા માથે પડે છે પોતાનો શિકાર જાણી અસુર કરમયબાઈ પાસે આવે છે ત્યાં તો કરમયબાઈના તેત્રીસ કરોડ રૂંવાડા સમસમસમ કરતા બેઠાં થવા મંડાણા...એ ધારત તો પળનો પણ વિલંબ કર્યા વિના આ અસુર ને ભોં ચાટતો કરી દેત પણ વિર વછરાજ ને આગળ કરી સાચા મનથી સ્મરણ કર્યું અને સાદ કરતાં જ ઘોડે સવાર માથે સાફો કેડે કટાર હાથમાં તલવાર લઈ વિર વછરાજ ચારણ આઈની સહાય કરવા અને આ ભૂમિને અસૂર ના ત્રાંસમાંથી ઉગારવા એકલડો અસવાર આવી ગયો અને ઈ માનવભક્ષી અસુર નો નાસ કરી અને કરમયબાઈના વચનને માન આપી આ જુંગીમાં કાયમી વાસ કરી જુંગીવારા વિર વછરાજ તરીકે પ્રસિદ્ધ થયા.....
                 માનવભક્ષી અસુર મોટો ઈ રૈયતને કરતો રંજાડ (૨)
              હે...સતી કરમયનો પોકાર સુણીને (૨) ક્ષણમાં લીધી સંભાળ.
                 બોલડીયે વિર બંધાણા, ગાઉં તારા હેતથી ગાણા
                 જુંગી વારા વાછરા રાણા, ગાઉં તારા હેતથી ગાણા.....
                    દુહો:- પલમાં નગર પુગ્યો જ્યાં બેઠા હતા જામ
                         દીધા રોકડા દામ વસુલાત ભરી વાછરા
ચારણો પ્રત્યે ઈર્ષાભાવ રાખી જમીન ખાલસા કરવા જીહજુરીયા અને બ્રિટિશ સરકારનાં દબાણથી જામનગરના રાજા જામ રણજીતસિંહએ  ખીરલપર ગામનાં કર ભરવા દબાણ કર્યું અને જો કર ના ભરાય તો ખીરલપર ને ખાલી કરી દેવા હુકમ કર્યો આ હુકમથી ચારણો મુંજાવા મંડ્યા પણ..જુંગીવારા ના સ્થાનકે જઈ ચારણોએ ધા નાખી આ ધા સાંભળી જુંગીવારા એ મારતે ઘોડે જામનગર જઈ ખીરલપરનો કર ભરી આવ્યા અને ખીરલપરને ખાલસા થતા બચાવ્યુ આવી તો અનેક વાતો અનેક પરચા જુંગીવારા વિર વછરાજનાં લોકમુખે ચર્ચાય છે.....
                 ખીરલપરને કરવા ખાલી જામે કીધી જેદી જાણ (૨)
              હે...ચારણો કેરા કર ચૂકવવા (૨) પ્રગટ માંડ્યા પલાણ
                 નગર જઈ ધીર્યા નાણાં ગાઉં તારા હેતથી ગાણા
                 જુંગીવારા વાછરા રાણા ગાઉં તારા હેતથી ગાણા
                દુહો:- આઈ દેવલે આપ્યા અમરત ભર્યાં આશિષ
                     વિરા ઉતારજે વિષ વરણ અઢારનાં વાછરા
ચારણ જોગમાયા આઈ દેવલનાં આશીર્વાદથી વિર વછરાજનાં પેઢમાં સાચી શ્રદ્ધા લઈને જે કોઈ ધા લઈને આવે છે તે સર્પદંશ હોય, હડકવા હોય, વાય આવતી હોય,કે મેલીક્રિયાનો ભોગ બનેલા હોય એ બધાંયને આ કળજુગ કાળમાં પણ શરણે આવેલાની ધા સાંભળી સાચા હૃદયનો સાદ સાંભળીને એનાં તમામ દુઃખડા હરીને એને ઉગારે છે..
               વિખ હડકવાને વાયનો વારણ ભૂમિ ઉતારણ ભાર (૨)
            હે...મેલા કારણનો થઈને મારણ (૨) ત્રાટકે લઈ તલવાર
                તત્કાળે સાચવે ટાણા ગાઉં તારા હેતથી ગાણા
                જુંગીવારા વાછરા રાણા ગાઉં તારા હેતથી ગાણા
              દૂહો:-જય રાણા જય વાછરા જય સોલંકી સરદાર
                  જય ડાડા કરણ તું જય જય જગ આધાર
હે રાણા હે જુંગીના ધણી હે સોલંકી શિરોમણી આ જગતની માથે સતી દેવળમાંનાં વચનથી અમર થઈને તું આ થડામાં જાગ્રત બેઠો છો ડાડો થઈને પૂજા છો પણ અમે તો ચારણ છીયે તું તો અમારો વિર કહેવાય એમાંય પાછો તું મહાવીર છો...તને અમારો રાજા માનીએ અમારો રાણો માનીએ હે રણબંકા રાજપુત અમને તારી રૈયત જાણી અમારા રખવાળા કરજે અને કાયમ તારા આશરે રાખી અમારી આશાયું પુરી આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી છોડાવજે અમને ઉગારજે રાણા અમને ઉગારજે
            જુંગીનાં ધણી તું સામું જોજે એક તારો છે આધાર (૨)
         હે..."ચારણ હમીર" કહે હરજે ચિંતા (૨) પલમાં સુણી પોકાર
              વરસાવજે સુખના વ્હાણા ગાઉં તારા હેતથી ગાણા
              જુંગીવારા વાછરા રાણા ગાઉં તારા હેતથી ગાણા

Comments

Popular posts from this blog

About mahiya rajput

✍🏻 “કનડાને રીસામણે”✍🏻

જય ગીગાબાપુ મહિયા