લોકકથાની વાતો - ડો.પ્રદ્યુમ્ન ખાચર

લોકકથાની વાતો - ડો.પ્રદ્યુમ્ન ખાચર

મહિયા રાજપુત ની ખાનદાની અને ખુમારી -

સોરઠ પંથકના કેશૉદ તાલુકાના કણેરી ગામના મહિયા રાજપૂત એવા ગીગા મહિયા બહારવટે ચડેલ ને જેણે સોરઠની ધરતીને ધ્રુજાવી દીધી હતી. જેણે નીતિ-ધર્મથી જ બહારવટું ખેડેલું માટે જૂનાગઢ રાજ્યના પ્રજાજનો કારડિયા, કણબી પટેલ, રબારીઓ તેને પ્રેમથી રોટલા પૂરા પાડતા હતા એમાં કોઈ બળજબરી કે ધાકધમકી નહોતા. એ ગીગાના મુઠી જેવડા હૃદયમાં એક દીકરી માટે કેવી બધી ભાવના અને ત્યાગ સમાયેલો હતો તેની આજ વાત કરવી છે, જે સાંભળતા લાગે કે બાપ-દીકરીથી કોઈનો પ્રેમ વધુ હોતો જ નહિ હોય ?

ગીગાને રાણીબા નામની અતિ વહાલસોયી એક દીકરી હતી જે દીકરીને તેની મા બે વર્ષની મૂકીને સ્વર્ગની વાટે ચાલી નીકળી હતી, ત્યારે ગીગાના તમામ સગાવ્હાલાઓ તમામ શબ્દો અને સંબંધો અને ઈશ્ર્વરીય માયા સમજાવીને કહે છે કે તું બીજા લગ્ન કરી લે. એમાં કંઈ ખોટું નથી ને રાણીબા ને પણ કશો જ વાંધો સાવકીમાં નહિ આવવા દે. અમે તે માટે બેઠા છીએ પણ ગીગો એકનો બે થતો નથી.

હવે ગીગો પોતાની તમામ શક્તિ અને પ્રેમને આ બાળકી ઉપર જ કેન્દ્રિત કરીને તેને માની હૂંફની ખોટ ન આવી પડે એ રીતે ઉછેરી રહ્યો હતો, આ દૃશ્ય જોનારને તો એમ જ લાગતું કે ઓ હો એક કાળઝાળ બહારવટિયો દીકરી માટે જ ફૂલથી પણ સાવ કોમળ બની ગયો છે અને જંગલમાં પણ એ દીકરીને ભેગી ફેરવે છે,પણ એ બિચારી શું સમજે કે મારો બાપ કેવો ખૂંખાર બહારવટિયો છે અને તે જૂનાગઢની પોલીસને આંખમાં ધૂળ નાંખીને સંતાકૂકડી રમી રહ્યો છે.તે રાણી બાર વર્ષની થઇ ગઈ એ સમયે ગીગો બહારવટે છે પણ બહારવટામાં આ યુવાન પુત્રીને ફેરવવી એ અઘરું તો છે પણ છતાં એ દુ:ખ પણ એ દીકરી માટે ભોગવી રહ્યો છે ને દીકરીને પુરુષના કપડાં પહેરાવતો અને તેને યુવાન જેવી જ તાલીમ આપતો કે તે પણ ઝાંસીની રાણી જેવી જ બનીને જીવી શકે એવી તેના બાપની મહેચ્છા છે, પણ એક દિવસ કનડાના ડુંગર પર કાળી રાતે એક કાળોતરાએ એવો ડંખ માર્યો કે રાણીબા એ ત્યાં જ ચીસ પાડીને પ્રાણ છોડી દીધા.ત્યારે બહારવટિયા જેવો બહારવટિયો ભાંગીને ભૂકો થઇ ગયો અને છ મહિના સુધી તો સાવ ઘેસ જેવો થઇ સૂનમૂન ફરતો રહ્યો,નથી એના શરીરમાં કોઈ ચેતન કે જોમ બસ હવે તેનું દુનિયામાં કોઈ રહ્યું જ નહિ. એમ જ માની બેઠો છે અને દીવાનાની જેમ સમય પસાર કરે છે,જેની વીર હાંકથી સોરઠની પ્રજા ફડકલે ફાટતી અને જેનું નામ પડતા ઘોડિયામાં સૂતા બાળકો શાંત થઇ જતા,જેનું નામ પડતા ગામના ઝાંપા દેવાય જતા એવો બહારવટિયો આજે છાના ખૂણે રોજ રડે છે.

જ્યાં જ્યાં કોઇપણ ૧૨-૧૫ વર્ષની દીકરી જોવે ત્યાં તેને પોતાની રાણીબા
નાં સ્મરણો તાજા થાય ને આંખમાં ઝળઝળિયાં આવી જાય ને કોઇપણ દીકરીને જોતા જ તેની પર વ્હાલ વરસાવે ને પોતાની પાસે રહેલી મતામાંથી મુઠો ભરી આપી દે ને મનોમન એમ માને કે આવી જ પ્રાણથી પ્યારી મારી વ્હાલી રાણીબા હતીને.

પણ ગીગાનું દુ:ખ ઓછું તોય થતું નથી એવા સમયે ગીગાની ધર્મની માનેલી એવી રૂડી નામની રબારણ બેન પાસે આવે છે ને સમજાવે છે કે ભાઈ તમે આમ શેના ખુદને દૂભવો છો. ઈશ્ર્વરના દરબારમાં કોઈનું કશું જ ચાલતું નથીને મોતને કોઈ હજુ સુધી જીતી જ શક્યું નથી તો શેનો આવો કાળો વિયોગ હજુ ભોગવો છો. ભાઈ-બહેનના આ સંવાદ પછી તો વળી પાછા બંને ભાવ સમંદરમાં ડૂબી ગયા ને બંને રડી પડ્યા કે શું ઈશ્ર્વરે મારી પત્ની અને પુત્રી બંનેને છીનવી લીધા,વળી પાછી બહેન ગીગાને ઈશ્ર્વરીય માયા-સંકેત અને મોતને પોતાની દેશી ગામઠી ભાષામાં સમજાવે કે વીરા આમ ન હોય પણ છતાં તરત તો ગીગો દુ:ખમાંથી જરાય બહાર આવી શકતો નથી પણ છ મહિને એ શોક માંથી બહાર આવ્યો,આ માટે ધર્મની બહેન એવી રૂડીએ ગીગા સાથે રહીને ગીગાનું બહારવટું જોયું ને પછી જ સાસરે ગઈ.

એક દિવસ ગીગો ઢેલાણા આવ્યો તો ગામમાં હાકાબાકા બોલી ગયા ને બજારો મંડી ટપોટપ બંધ થવા. આ સમયે યુવાનોએ હોળીના રાસડાઓ જમાવ્યા હતા ત્યાં આવી ગીગો કહે અરે કોઈ બીતા નહિ આજ હું લૂંટવા નહિ રાસડા જોવા આવ્યો છું ને ગીગાએ એકતાલ,બેતાલ અને ત્રિતાલ અને ફેરફુદરડીઓ જોઈ પછી કહે હવે બેનોને કહો રાસડા લે એ જોવા છે. ગામના કહે એ નહિ બને. અમારી દીકરીઓ શરમાયને. ગીગો કહે અરે હોય એ તો મારું અપમાન કહેવાય જો રાસડા ન લે તો.તમે મને શું સમજી શકો. હું જે સ્ત્રીને પરણ્યો હતો એના મોત પછી બીજી બધી સ્ત્રીઓને મેં બેન ગણી છે.

ગીગો હઠે ભરાણો છે કે રાસડા તો જોવા જ છે. ઢેલાણાની યુવતીઓ સંતાઈ ગઈ હતી પણ આખરે ૧૨- ૧૪ વરસની દીકરીઓએ રાસડો ઉપાડ્યો,રાસડો પૂરો જામ્યો હતો એવામાં ગીગાની આંખ બાર વર્ષની એક દીકરી પર ઠરી ગઈ અને ઊભો થયો ને તેનો હાથ પકડીને કહે બહેન તારું નામ શું છે? દીકરી કહે મારું નામ રાણી.

રાણી નામ સાંભળતા જ ગીગાથી અરે અરે આ તો રાણી કહી ચીસ પડાઈ ગઈ ને ગીગાએ કહ્યું બેટા તારે મારી ભેગા આવવાનું છે હો ? રાણી તો ત્યાં મંડી મોટે મોટેથી રડવા ને ગામ આખામાં ખબર પડી ગઈ કે ગીગો રાણીને ઉપાડી જવાનો છે. દીકરીના માબાપ કાનાભાઈ વાળા અને અમરબાઇ ચોકમાં આવી ગયા કે ગીગાભાઈ બધું લઇ જા. અમને પણ મારી નાંખ પણ ફૂલ જેવી આ દીકરીને છોડી દે,પણ ગીગો એ કશું જ સાંભળતો નથી ને આખરે બોલ્યો કે હું રાણીને પંદર દિવસ જ લઇ જઈશ. બાકી ગમે તે કરશો તો પણ રાણીને લીધા વિના નહિ જ રહું.

ગીગો રાણીને કનડાના ડુંગરે લઇ ગયો. રાણીની આંખો રડી રડીને સોજીને દડા જેવી થઇ ગઈ છે ત્યારે ગીગો રાણીને માથે હાથ ફેરવીને કહે છે અરે બેટા હું તારો બાપ છું મારે તને સોને મઢાવવી છે,આટલું કહેતા તો ગીગો પણ બાળકની જેમ રડી પડ્યો: બેટા તું જ મારી રાણી છો ને જીવતી થઇ પાછી આવી છો ને ? તો તારા બાપને રડાવાય કે ઓવારણાં લઇ રાજી કરાય.

આખરે રાણી પર પિતૃપ્રેમની અસર થઇને રાણીએ ગીગાને બાપ તરીકે જોયો. ગીગાએ પોતાના વચન મુજબ રાણીને પંદર દિવસ રાખી ને ઘોડા ઉપર રાણીને ઢેલાણા કાનાભાઈ વાળાને ત્યાં મૂકી ગયો ને સાથે સાથે અઢળક રૂપિયા દેતો ગયો ને રડતા રડતા દીકરીને જોતા જોતા કહેતો ગયો કે આ રૂપિયા રાણીને કરિયાવરમાં વાપરજો ને લગ્ન ટાણે વાવડ દેજો તો હું સાત પાતાળ ચીરીને પણ હું આવી જઈશ.

ગામ આખું ભેગું થઇ ગયુ કે ગીગો રાણીને મૂકવા આવ્યો છે,ગામના હવે શરમાણા કે આપણને હતું કે ગીગો રાણીને ઘરમાં બેસાડશે? પણ રાણીએ માંડીને બધી લાંબી વાત કહી કે એ તો મને બહુ સારી રીતે રાખતા ને હાલતાચાલતા વાતવાતમાં રડી પડતા ને દીકરી દીકરી જ કરતા હતા.

બધા વધુ શરમાયા કે આપણે તો કેવા નફ્ફટ ને અધૂરા વિચારવાળા છીએ કે કેવું કેવું વિચારી લઈએ છીએ. આખરે એક દિવસ રાણીના લગ્ન લેવાણા ને ગીગાને વાવડ મોકલતા ગીગો અચાનક લગ્નના મંડપમાં આવી ચડ્યો ત્યાં તો ભાગદોડ મચી ગઈ તો કાનાભાઈ વાળા અને અમરબાઇ ઉઠ્યા કે કે અરે ભાગો માં આ ગીગો બહારવટિયા તરીકે નહિ રાણીના બાપ તરીકે તેને ફેરા ફેરવવા આવ્યા છે.

જયારે બહારવટિયાએ રાણીને ફેરો ફેરવ્યો ત્યારે તો સૌ કોઈની આંખમાં ઝળઝળિયાં આવી ગયા કે વાહ વાહ ખાનદાની મહિયા રાજપૂતની અને કાઠિયાવાડની .

ગીગા મહિયાને મકતુપુર (માંગરોળ) ગામે એક બ્રાહ્મણે કસુંબામાં જાનમાં દગો કર્યો ને ત્યારે બહેનોએ એનો રાસડો જોડ્યો તો કે

કસુંબાના પ્યાલા વીરા, કસુંબાના પ્યાલા,બાંધવે કસુંબા ઘાલ્યા રે,માયાળુ વીર

આખરે ગીગો ફોજની હાથે પકડાવા કરતા હાથે જ તલવાર ખાઈ મર્યો ને તેની પાસે રહેલી તલવારને હાર દેતો ગયો કે આ તલવાર પ્રભાસપાટણવાળા ઉદયશંકર કાકાને પહોંચાડજો કે આ તલવાર હું બીજ ગામેથી લઇ ગયેલો તે પાછી મોકલું છું, આ તલવાર આજે પણ જૂનાગઢ ખાતે શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈને ઘેર છે. જેની જાનમાં આવતા આવું બન્યું તે મોરલીશા પણ અફસોસ કરી મીંઢોળબંધો ગીગાની લાશ પર જ તલવાર ખાઈ મર્યો, આવી એ યુગની રખાવટ, ખાનદાની અને શરમ હતી.

Comments

Popular posts from this blog

About mahiya rajput

✍🏻 “કનડાને રીસામણે”✍🏻

જય ગીગાબાપુ મહિયા